ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા 2018માં તેના પ્રારંભ પછી 50 લાખના આંકને વટાવી ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહ્યું છે.

ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી (વન અને પર્યાવરણ) રાજીવ ગુપ્તાએ સોમવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 5 મિલિયનને વટાવી ગઈ છે. કેવડિયામાં સરદાર સરોવર ડેમની નજીક સાધુ બેટ પર 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વની સૌથી મોટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018માં તેનું ઉદ્ધઘાટન કર્યું હતું. મુલાકાતીઓની સંખ્યામાં વધારાને કારણે અહીં પ્રવાસના બીજા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

કેવડિયા માટે રેલવે અને હવાઇ જોડાણમાં સુધારો કરવા માટે સરકારે દેશના વિવિધ ભાગોમાં આઠ નવી ટ્રેન ચાલુ કરી છે. અમદાવાદથી સીપ્લેન સર્વિસ પણ ચાલુ કરવામાં આવી છે. કોરોના મહામારીને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ ગયા વર્ષના 17 ઓક્ટોબરે આ સ્થળને પ્રવાસીઓ માટે ફરી ખોલવામાં આવ્યા પછી પ્રવાસીઓમાં વધારો થયો છે.