ગુજરાતમાં કોરોના વાઇરસ ફરી માથુ ઊંચકી રહ્યો છે. સરકારે રવિવારે સાંજે જાહેર કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાક કોરોનાના 810 નવા કેસ નોંધાયા હતા, જે 75 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. રાજ્યમાં 29 ડિસેમ્બર 2020 પછી પ્રથમ વખત કોરોનાના દૈનિક કેસ 800ની સપાટી વટાવી ગયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, ખેડામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.

ગુજરાતમાં આશરે 15 દિવસ અગાઉ 28 ફેબ્રુઆરીના 407 કેસ નોંધાયા હતા. આમ, 15 દિવસમાં જ કોરોનાના દૈનિક કેસના પ્રમાણમાં લગભગ બમણો વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં વધુ બેના કોરોનાથી મૃત્યુ થયા હતા અને તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 4,424 થયો હતો. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 2,78,207 થઈ હતી. જેમાંથી એક્ટિવ કેસનો આંક 4,422 હતો. રાજ્યમાં રવિવારની સાંજ સુધીમાં 54 દર્દી વેન્ટિલેટર પર હતા.

રવિવારની સાંજ સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી સુરતમાં સૌથી વધુ 241 નવા કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં 217 અને ગ્રામ્ય વિસ્તારમાં 24 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 163-ગ્રામ્યમાં 2 સાથે 165 નવા કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં કોરોનાના 150થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત બીજા દિવસે બન્યું હતું. વડોદરા શહેરમાં 95-ગ્રામ્યમાં 22 સાથે 117 જ્યારે રાજકોટ શહેરમાં 61-ગ્રામ્યમાં 9 સાથે 70 નવા કેસ નોંધાયા હતા.
છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાંથી 153, સુરતમાંથી 142, વડોદરામાંથી 81, રાજકોટમાંથી 73 એમ રાજ્યભરમાંથી વધુ 586 દર્દીઓ સાજા થયા થયા હતા. આમ, અત્યારસુધી કુલ 2,69,361 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 96.82% રહ્યો હતો..