આશરે એક સપ્તાહના વિલંબ બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 900 બિલિયન ડોલરના જંગી કોરોના રાહત પેકેજને રવિવારે મંજૂરી આપી હતી. આ પેકેજને તાજેતરમાં અમેરિકન સંસદે મંજૂરી આપી હતી. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને નોકરી ગુમાવનારા લોકોને મદદ કરવા માટે કરવામાં આવશે.

ટ્રમ્પે ફ્લોરિડામાંથી ક્રિસમસ વેકેશન દરમિયાન એક નિવેદન મારફત જણાવ્યું હતું કે બેરોજગારીના લાભ ફરી ચાલુ કરવા, સ્થળાંતર અટકાવવા, ભાડાની સહાય આપવા, પીપીપીમાં નાણા જમા કરવા, એરલાઇન્સના કામદારોને નોકરી પર પરત લાવવા, વેક્સિન વિતરણ માટે ભંડોળ આપવા સહિતના હેતુ માટે મે આ રાહત પેકેજ પર હસ્તાક્ષર કર્યા છે.
આ બિલને અમેરિકાની સંસદે 12 ડિસેમ્બરે મંજૂરી આપી હતી. ટ્રમ્પે શરૂઆતમાં આ રાહત પેકેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો.

બેરોજગારી માટેના બે સરકારની પ્રોગ્રામની છેલ્લી મુદત શનિવારે હતી. આ પ્રોગ્રામ કોવિડ-19 રાહત પેકેજ હેઠળ ચાલુ કરાયા હતા. ટ્રમ્પે હસ્તાક્ષર કરતાં 12 મિલિયન અમેરિકન લોકોને ફરી લાભ ચાલુ થશે. ટ્રમ્પે તેમના નિવેદનમાં અમેરિકાના કરદાતાને 600 ડોલરના ડાયરેક્ટ પેમેન્ટ પર ભાર મૂક્યો હતો.