પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીને કારણે આશરે બે વર્ષના બ્રેક પછી ભારતમાં રવિવાર (27 માર્ચ)થી રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ફરી પ્રારંભ થયો છે. સમર શિડ્યુલ્ડ હેઠળ ભારતની છ એરલાઇન અને 40 દેશોની 60 એરલાઇન્સને કુલ 3,249 વીકલી ફ્લાઇટ્સ માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતની એરલાઇન ઇન્ડિગોને 505 વીકલી ફ્લાઇટ્સ માટે મંજૂરી મળી છે. આ ઉપરાંત એર ઇન્ડિયાને 361, એઆઇ એક્સપ્રેસને 340, એમિરાટ્સને 170 વીકલી ફ્લાઇટ્સ માટે મંજૂરી મળી છે. ટાટા ગ્રૂપની ત્રણ એરલાઇન્સ એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા કુલ 757 વીકલી ફ્લાઇટ્સ ઓપરેટ કરશે. DGCAના માન્ય શિડ્યુલમાં ટાટા ગ્રૂપની ચોથી એરલાઇન એરએશિયા ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉલ્લેખ નથી.

રવિવારે ગ્વાલિયરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આજનો દિવસ ઘણો જ મહત્ત્વનો છે. આજથીી ફુલ કેપેસિટી સાથે તમામ રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સર્વિસ ચાલુ થઈ છે.

આશરે 40 દેશોની 60 એરલાઇન્સને સમર શિડ્યુલ્ડ દરમિયાન 1,783 ફ્રિકવન્સીને મંજૂરી આપવામાં આવી છે. સમર શિડ્યુલડનો 27 માર્ચથી અમલ ચાલુ થયો છે, જે 29 ઓક્ટોબર સુધી અમલી રહેશે. સમર શિડ્યુલ્ડ માટે ભારતની છ એરલાઇન્સને દર સપ્તાહે કુલ 1,466 ઇન્ટરનેશનલ ડિપાર્ચરને મંજૂરી આપવામાં આવી છે. આ કંપનીઓ 27 દેશોમાં 43 ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ્સ ઓપરેટ કરશે, એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ જણાવ્યું હતું. નવી દિલ્હી ખાતેના દેશના સૌથી મોટા એરપોર્ટ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને ધારણા છે કે રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી ચાલુ થયા બાદ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ડિપાર્ચરમાં નોંધપાત્ર ઉછાળો આવશે.

ભારતની એરલાઇન્સ કંપનીઓ રાબેતા મુજબની ઇન્ટરનેશનલ સર્વિસ માટે સજ્જ બની છે. આ ઉપરાંત એમિરાટ્સ, વર્જિન એટલાન્ટિક અને LOT પોલિસ સહિતની વિદેશી એરલાઇન્સે પણ ભારત માટેની હવાઇસેવાની યોજના જાહેર કરી છે. કોરોના મહામારીને પગલે ભારતમાં 23 માર્ચ 2020થી શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ બંધ હતી અને હવે રવિવારથી ફરી ચાલુ થઈ છે.મહામારી હેઠળ વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ સમજૂતી હેઠળ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલું હતી.

કોરોના વાઇરસના કેસોમાં ધરખમ ઘટાડાને પગલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 8 માર્ચે જાહેરાત કરી હતી કે રેગ્યુલર વિદેશી હવાઇસેવા 27 માર્ચથી ફરી ચાલુ થશે. સરકારે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે કોરોના ગાઇડલાઇનમાં સુધારો કર્યો છે. હવે એરલાઇન્સ કંપનીઓએ મેડિકલ ઇમર્જન્સી માટે ત્રણ સીટો ખાલી નહીં રાખવી પડે. આ ઉપરાંત વિમાની સભ્યો માટે સંપૂર્ણ પીપીઇ કીટ પહેરવાના નિયમને પણ નાબૂદ કરવામાં આવ્યો છે.
શનિવારે એક નિવેદનમાં ઇન્ડિગોના ચીફ કોમર્શિયલ ઓફિસર વિલી બોલ્ટરે જણાવ્યું હતું કે એરલાઇન પ્રિ-કોવિડ લેવલ મુજબ ઇન્ટરનેશનલ સર્વિસ ફરી ચાલુ કરવા આતુર છે, પરંતુ તે વિવિધ દેશોની એરાઇવલ ગાઇડલાઇન્સ જેવા પરિબળો પર આધાર રાખે છે. તેમણે જણાવ્યું હતું કે  “ટ્રાવેલ ક્ષેત્રને વધુ ખુલ્લુ મૂકવામાં આવ્યું હોવાથી અમે નજીકના ભવિષ્યમાં નવા ડેસ્ટિનેશન તથા હાલના રૂટ માટેની ક્ષમતામાં વધારો કરવાની યોજના ધરાવીએ છીએ. એટીએફ અને બીજા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે તેવા હાલના ગતિશીલ વાતાવરણમાં મોટાપાયે સર્વિસ ચાલુ કરવાની બાબત પડકારજનક છે. ” ઇન્ડિગો દેશની સૌથી મોટી એરલાઇન છે.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે કોમર્શિયલ ઓપરેશન્સ ફરી ચાલુ થયા બાદ સાઉથ ઇસ્ટ એશિયા અને યુરોપ ઇન્ટરનેશનલ મુસાફરોમાં વધુ વૃદ્ધિ માટેના મુખ્ય ચાલકબળ બને તેવી શક્યતા છે. ઓથોરિટીને આશરે 60 કરતા વધુ દેશો માટેની ફ્લાઇટ ફરી ચાલુ થવાની ધારણા છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સૌથી મોટું એરપોર્ટ છે અને કોરોના પહેલા તેમાં દૈનિક 1.8 લાખ મુસાફરોની આવ-જાવ થતી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ એર ટ્રાફિક મુવમેન્ટ (એટીએમ)ની સંખ્યા દૈનિક 165થી વધીને સમર 2022માં દૈનિક 300 થવાની ધારણા છે.

ગત શુક્રવારે ગલ્ફ દેશની એરલાઇન એમિરાટ્સે જણાવ્યું હતું કે તે પહેલી એપ્રિલથી કોરોના પહેલાના સ્તરે હતી તે મુજબની વિમાન સેવા ફરી ચાલુ કરશે. ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇસ પર માર્ચ 2020માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલા એમિરાટ્સ દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ અને કોલકતા સહિત નવ ડેસ્ટિનેશન માટે 170 વીકલી ફ્લાઇટ્સ ચલાવતી હતી. આ તમામ ફ્લાઇટ્સ પહેલી એપ્રિલથી ફરી ચાલુ થશે. આ 170 વીકલી ફ્લાઇટ્સમાં મુંબઈ માટેની 35, દિલ્હીની 28, બેંગલુરુની 24, ચેન્નાઇની 21, હૈદરાબાદની 21, કોચીની 14, કોલકત્તાની 11, અમદાવાદની નવ અને થીરુવન્તપુરમની સાત ફ્લાઇસનો સમાવેશ થાય છે.

શ્રીલંકન એરલાઇન્સે શુક્રવારે જણાવ્યું હતું કે તે કોરોના પહેલાના ફ્લાઇટ શિડ્યુલ્ડ મુજબ ભારત માટે 88 વીકલી ફ્લાઇટ ચાલુ કરશે. આ એરલાઇન્સ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોચી, ચેન્નાઇ અને બેંગલોર સહિત નવ શહેરોમાં ઉડ્ડયન કરે છે. પોલેન્ડ સ્થિત LOT પોલિશ એરલાઇન્સે ગુરુવારે જણાવ્યું હતું કે તે 31મેથી મુંબઈની ફ્લાઇટ ચાલુ કરશે અ 29 માર્ચથી દિલ્હીની સર્વિસ ફરી ચાલુ કરશે. રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી ચાલુ કરવાની જાહેરાત કરતાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંઘિયાએ 8 માર્ચે જણાવ્યું હતું કે આ પગલાં સાથે મને વિશ્વાસ છે કે આ ક્ષેત્ર નવી ઊંડાઈ સર કરશે.