વડા પ્રધાન ઋષિ સુનક લગભગ ચાર વર્ષમાં પ્રથમ વખત ગુરુવારે તા. 3ના રોજ પત્ની અક્ષતા મૂર્તિ અને તેમની બે પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા સાથે એક અઠવાડિયાની ફેમિલી હોલિડે પર જઇ રહ્યા છે. સુરક્ષાના કારણોસર તે સ્થળ અજ્ઞાત રાખવામાં આવ્યું છે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન અઠવાડિયાની રજા દરમિયાન રોજબરોજના સરકારી બિઝનેસનો હવાલો સંભાળશે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાણી એલિઝાબેથ અવસાન પામતા સ્પેનમાં પારિવારિક રજા ગાળવા ગયેલા સુનકે માત્ર થોડા કલાકોમાં જ પરત થવું પડ્યું હતું.
સુનક નવી દિલ્હીમાં યોજાનારી G20 લીડર્સ સમિટ માટે સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે જાય તેવી અપેક્ષા છે. વિપક્ષ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર હાલમાં તેમની પત્ની અને બે બાળકો સાથે યુકેમાં ક્યાંક રજાઓ પર છે. ઓગસ્ટ મહિનામાં પાર્લામેન્ટમાં હોલિડે હોય છે અને બ્રિટનમાં પરંપરાગત ઉનાળાની રજાઓ હોય છે. તેથી ઘણા રાજકારણીઓ સપ્ટેમ્બરની શરૂઆતમાં કોમન્સ ફરી શરૂ થાય તે પહેલાં સમય કાઢી હોલિડે કરી લે છે.