HCI leicester riots

યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને ભારતીય વિદ્યાર્થીઓને બનાવટી કોલ્સ કરી ધાકધમકી આપીને નાણાંની માંગણી કરવામાં આવતી હોવાના અહેવાલો બાદ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને એક ચેતવણી આપી લોકોને આવા ગઠીયાઓ સામે સાવચેત રહેવા અપીલ કરી છે.

ભારતીય હાઈ કમિશન લંડન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘’લંડન સ્થિત ઈન્ડિયા હાઉસ સાથે સંકળાયેલા ફોન નંબરોની નકલ કરીને ગઠીયાઓ દ્વારા ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને ભારતીય વિદ્યાર્થીઓ સાથે ગુનાહિત કામગીરી અને છેતરપીંડી કરવામાં આવી રહી છે. આ છેતરપીંડીની ફરિયાદ મળતા મેટ્રોપોલિટન પોલીસને વાકેફ કરવામાં આવી હતી.  આ ગઠીયાઓ દ્વારા નકલ કરાયેલા ફોન  નંબર પરથી ભારતીય મૂળના વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને કૉલ કરીને કાયદાકીય અથવા અન્ય પગલા લેવાની તેમજ ભારત સરકારની એજન્સીઓની ધમકી આપીને કથિત રીતે નાણાંની માંગણી કરવામાં આવે છે.’’

ચેતવણીમાં જણાવાયું હતું કે “કૃપા કરીને ખાતરી રાખજો કે ભારતીય હાઈ કમિશનમાંથી કોઈ પણ વ્યક્તિને ટેલિફોન કરીને કોઇ પણ સરકારી કામકાજ કે હેતુ માટે નાણાંની માંગણી કરવામાં આવતી નથી કે કોઇને બોલાવવામાં આવતા નથી. જો તમને આવો કોઇ ફોન કરવામાં આવે અથવા કોઈપણ વ્યક્તિને  કૉલ કરવામાં આવે તો તે ફોન નંબર અને ફોન કરનારની મળે તેટલી તમામ વિગતો પોલીસને આપવા નમ્ર વિનંતી છે.”

લંડન સ્થિત ભારતીય મિશને આ વર્ષે એપ્રિલમાં પણ આવી જ રીતે છેતરપિંડી અને વસૂલી કરવાના અહેવાલો સામે આવતા ભારતીય ડાયસ્પોરાના સભ્યો તથા વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી. જો કે, આ વખતે કોન્સ્યુલર અને મિશન દ્વારા જાહેર કરાયેલા અધિકૃત ફોન નંબરોનો ઉપયોગ કરીને ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવે અને ગુનાહિત પ્રવૃત્તિ વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે. અહેવાલો અનુસાર, કેટલાક વ્યક્તિઓ આ અત્યાધુનિક કૌભાંડમાં છેતરાયા હોવાનું માનવમાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

fifteen − 3 =