વડા પ્રધાન બોરિસ જૉન્સન હાલમાં વિવિધ મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે જો તેઓ પોતાનું વડા પ્રધાન પદ કોઇ સંજોગોમાં છોડે છે તો ભાવિ વડાપ્રધાન તરીકે ‌રિ‌શિ સુનાક શ્રેષ્ઠ છે એમ ટોરીના અડધાથી વધુ એટલે કે 56 ટકા મતદારો ઈચ્છે છે. લગભગ 47 ટકા કન્ઝર્વેટિવ્સ માને છે કે આગામી 12 મહિનામાં વડા પ્રધાન બદલાવા જોઇએ અને સત્તાની સોંપણી થવી જોઈએ.

સુનાકે વડા પ્રધાન જૉન્સનને કોવિડ નિયંત્રણોને સરળ બનાવવા માટે વધુ કાર્યવાહીની માંગ કરતો એક પત્ર લખ્યો હતો. જે લીક થયા બાદ જોન્સને સુનાકને પદભ્રષ્ટ કરવાની કે હેલ્થ સેક્રેટરી બનાવવાની ધમકી આપી હતી. તે ધમકી બાદ આ ગણતરી શરૂ થઇ છે. જો કે આ સર્વે બાદ શ્રી સુનાકના સાથીઓ દાવો કરે છે કે ચાન્સેલરને દૂર કરવા હવે અશક્ય છે. બે નેતાઓ વચ્ચે અણબનાવના દાવાઓને પગલે ડેઇલી મેલ માટે પોલસ્ટર્સ જેએલ પાર્ટનર્સે કરેલા સંશોધનમાંથી આ તારણો બહાર આવ્યા છે.

ચાન્સેલર સુનાક અને વડા પ્રધાન જૉન્સનની જોડી વચ્ચેની રાજકીય અને વ્યક્તિગત ‘સ્પર્ધા’માં મતદારો સુનાકને વધુ મત આપે છે. બ્રિટિશ જનતા સામાન્ય રીતે સુનાકને વડા પ્રધાન જોન્સન કરતાં વધુ બુદ્ધિશાળી, સક્ષમ અને વિશ્વાસપાત્ર નેતા તરીકે જુએ છે. કેન્વાસિંગ સૂચવે છે કે તમામ પક્ષોના મતદારોને લાગે છે કે જૉન્સન ડાઉનિંગ સ્ટ્રીટમાં લાંબા સમય સુધી ટકી શકશે નહીં. દસમાંથી છ મતદારો (61 ટકા) – અને બેમાંથી લગભગ એક કન્ઝર્વેટિવ મતદાર (46 ટકા) – કહે છે કે બ્રેક્ઝિટ આપ્યા પછી જોન્સનની ‘વરાળ’ નીકળી ગઇ છે. એકંદરે, 42 ટકા લોકો કહે છે કે શ્રી સુનાક વધુ સારા પીએમ હશે. માત્ર 24 ટકા લોકોનું કહેવું છે કે દેશે જૉન્સન સાથે વળગી રહેવું જોઈએ.

ટોરી પક્ષના 11 ટકા લોકોએ સુનાકને તાત્કાલિક અને 36 ટકા લોકોએ એક વર્ષમાં વડા પ્રધાન બનાવવા જોઇએ તેવી માંગ કરી હતી. જો જૉન્સન આગામી ડિસેમ્બર 2024ની ચૂંટણી પહેલા જતા હોય તો તમામ મતદારોના 40 ટકા લોકોએ શ્રી સુનાકની અને 27 ટકાએ જૉન્સનની ચૂંટણી જીતવાની શક્યતા દર્શાવી હતી. જેએલ પાર્ટનર્સે સોમવાર તા. 9ના રોજ 1,019 પુખ્ત વયના લોકોની મુલાકાત લીધી હતી. લોકો માટે ‌રિ‌શિ સુનાક દેશનો ગોલ્ડન બોય રહ્યા છે અને તેઓ કરિશ્મા સિવાય તમામ નીતિ અને ચરિત્રના લક્ષણો બાબતે બોરિસને હરાવે છે.