નાગરિકતા અંગેના નવા કાયદા વિરુદ્ધ છેલ્લા 55 દિવસથી શાહીન બાગમાં ચાલી રહેલા મુસ્લિમ મહિલાઓના દેખાવો બાબતની સુનાવણી સોમવારે કરવાની જાહેરાત સુપ્રીમ કોર્ટે કરી હતી. શાહીન બાગ વિસ્તાર નવી દિલ્હી અને નોઇડાને જોડતી મહત્ત્વની કડી છે અને ત્યાં દેખાવો થવાથી ટ્રાફિક અવરોધાય છે તેમજ સ્કૂલમાં જતાં બાળકો અને બીમારોને લઇ જતી એમ્બ્યૂલન્સે લાંબો રન લઇને ફરીને જવાની ફરજ પડે છે એવી જાહેર હિતની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં કરાઇ હતી.

અગાઉની જાહેરાત મુજબ સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી આજે શુક્રવારે કરવાની હતી. પરંતુ આવતી કાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે ચૂંટણીની દોડાદોડ ચાલી રહી છે એટલે આ કેસની સુનાવણી અમે સોમવારે કરીશું. અરજદારે સુપ્રીમ કોર્ટને એવી પણ વિનંતી કરી હતી કે શાહીન બાગમાં ભાષણ દેવા આવતા લોકો પર પોલીસને નજર રાખવાનો આદેશ આપો કારણ કે અહીં ઘણા દેશ-વિરોધીએ ભાષણો થતાં હોવાની વાતો પણ વહેતી થઇ હતી.

કેટલાક વક્તાઓ અહીં આવીને રાષ્ટ્રવિરોધી વાતો કરીને વાતાવરણને વધુ દૂષિત કરે છે. એને કારણે પણ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન સર્જાય એવી ભીતિ હતી.સુપ્રીમ કોર્ટે આ બધી બાબતો સોમવારે એટલે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પતી જાય પછી હાથમાં લેવાની જાહેરાત કરી હતી. શાહીન બાગની જેમ દેશમાં ઘણા વિસ્તારોમાં સીએએ વિરોધી દેખાવો થઇ રહ્યા હતા.