દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (PTI Photo)()

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતના સુરત શહેરમાં વધુને વધુ મજબૂત બની રહી છે. છેલ્લાં બે દિવસમાં ભાજપના આશરે 300 કાર્યકારોને પોતાના પક્ષમાં ખેંચી લાવીને આમ આદમી પાર્ટીએ ભાજપની ચિંતામાં વધારો કર્યો છે.

ભાજપ યુવા મોરચાના 35 સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયાના થોડા દિવસો બાદ રવિવાર અને સોમવારે બીજા 300 કાર્યકરોએ પાર્ટી બદલી હતી. રવિવારે પક્ષના યુવા પાંખના વડા ભાવેશ રાદડિયાના વડપણ હેઠળ ભાજપના 200 કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સોમવારે સુરત શહેરના કઠોદરા ગામના ભાજપના 100 કાર્યકારો આપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના સ્ટેટ પ્રવક્તા યોગેશ જદવાણીએ જણાવ્યું હતું કે આ કાર્યકરો છેલ્લાં 5થી 10 વર્ષથી ભાજપમાં હતા.

તાજેતરમાં યોજાયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભારે સફળતા મળી હતી. પક્ષ કોર્પોરેશનમાં કોંગ્રેસની જગ્યા મુખ્ય વિરોધ પક્ષ બન્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 120 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીનો 27 બેઠકો પર વિજય થયો હતો. જોકે 93 બેઠકો જીતીને ભાજપે સત્તા જાળવી રાખી હતી.

રસપ્રદ બાબત એ છે કે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સુરતના છે. તેમ છતાં આ પ્રકારે મોટી સંખ્યામાં કાર્યકરોએ છેડો ફાડવો એ દેખિતી રીતે તેમના માટે ચિંતાજનક બાબત છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે તેમની રાજનીતિથી પ્રભાવિત થઈને કાર્યકરો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે. આ સમગ્ર બાબતે સુરત શહેરના ભાજપ પ્રમુખ જણાવે છે કે, કાર્યકરો પાર્ટી છોડીને ગયા તે બાબત અમારા ધ્યાનમાં આવી છે. અમે તેની પાછળના કારણો જાણીને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.