ભરૂચ અને સુરત જિલ્લામાં શનિવારે બપોરે 3.40 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ)ના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.3ની હતી. ભરૂચ જિલ્લાના નેત્રાંગ તાલુકાના મોટા માલપોર ગામમાં ભૂકંપનું એપી સેન્ટર હતું. ભરૂચથી ભૂકંપનું એપી સેન્ટર 36 કિલોમીટર દૂર હતું. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે. સુરત શહેર, ભરૂચ જિલ્લો, ઓલપાડ તાલુકો અને બારડોલી તાલુકાના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

સુરતના અડાજણ સહિતના તમામ વિસ્તારોમાં ભૂંકપની અસર લોકોમાં દેખાઈ હતી. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂંકપની અસર વધારે વર્તાઈ હતી. લગભગ સાતમાં આઠમાં માળે રહેતા લોકોને ચારેક સેકન્ડ કરતાં વધુ ભૂકંપના આંચકાનો અનુભવ કરવો પડ્યો હતો. જેથી લોકોમાં ડર ફેલાઈ જતાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાં હતાં. જો કે ભૂંકપના આંચકો સામાન્ય હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.