(istockphoto)

સુરતના કેટલાક વિસ્તારમાં ભરાતા રવિવારી બજારોમાં મોટા પાયે ભીડ રહેતી હોવાથી પોલિસે આવા કેટલાંક બજારો રવિવારે બંધ કરાવી દીધા હતા. મ્યુનિ. કમિશ્નર શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા અને ભીડવાળા બજારો બંધ કરવાની કામગીરી ચાલુ કરી હતી. સુરતમાં રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક દરમિયાન રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું.

શહેરના ચૌટા બજાર અને ઝાંપા બજાર સહિતના અનેક વિસ્તાર વહીવટીતંત્રે પોલીસની મદદથી બંધ કરાવી દીધા હતા. અચાનક જ પાલિકા અને પોલીસ ભીડવાળા બજારમાં ત્રાટકી જતાં લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી. આ જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ અને પાલિકાએ બજાર બંધ કરાવવાનું શરૂ કરી દીધું છે. રવિવારથી સેન્ટ્રલ ઝોનમાં ચા અને પાનીની દુકાન ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, ગોપીપુરા, સોની અને વાડી ફળીયા સહિતના વિસ્તારમાં ચા અને પાનની દુકાન બંધ રહેશે.