બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં 110 દિવસ પછી મહત્ત્વની સ્પષ્ટતા થઇ છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)ની પેનલે તેના રીપોર્ટમાં સુશાંત સિંહ હત્યાની થઇ હોવાની આશંકાનો ઇન્કાર કર્યો છે. રીપોર્ટ્સ મુજબ AIIMSની પેનલના વડા ડો. સુધીર ગુપ્તાએ એક જણાવ્યું હતું કે, સ્પષ્ટપણે આ આત્મહત્યાનો કેસ છે, તેની હત્યા થઇ નથી. જોકે આ બાબતે કેસની તપાસ કરી રહેલ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)એ હજુ કોઇ અધિકૃત નિવેદન આપ્યું નથી. સુશાંતના ઓટોપ્સી રીપોર્ટની તપાસ માટે 21 ઓગસ્ટે ડો. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં AIIMSના પાંચ ડોક્ટર્સની નિમણૂક કરવાવામાં આવી હતી. તેમણે 20 સપ્ટેમ્બરે રીપોર્ટ રજૂ કરવાનો હતો પરંતુ તેમાં આઠ દિવસનું મોડું થયું હતું. 28 સપ્ટેમ્બરે AIIMS દ્વારા CBIને રીપોર્ટ આપવામાં આવ્યો હતો. મીડિયા રીપોર્ટ્સ મુજબ ડોક્ટર્સને વિસેરામાં કોઈપણ પ્રકારનું ઝેર મળ્યું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, રિપોર્ટમાં સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા મુંબઈની કૂપર હોસ્પિટલના ડોક્ટર્સને પણ હજુ સુધી ક્લીન ચિટ આપવામાં આવી નથી. કૂપર હોસ્પિટલના ડોક્ટર્સે સુશાંતની ઓટોપ્સી કરી હતી અને પછી તેમણે કરેલી  કાર્યવાહી સામે પણ પ્રશ્નો ઊભા થયા હતા. સુશાંતના ગળા પરનાં નિશાન અંગે રીપોર્ટમાં કોઈ માહિતી ન હતી અને મૃત્યુના સમયનો પણ ઉલ્લેખ ન હતો. આ વિવાદ બાદ CBIએ તેની તપાસ AIIMSને સોંપી હતી.