ભારતમાં 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલકતામાં શિકાગોમાંથી સ્વામી વિવેકાનંદ પરત આવ્યા છે પ્રસંગની ઉજવણીમાં વિવિધ ધર્મના લોકોએ ભાગ લીધો હતો. (ANI photo)

વડાપ્રધાન મોદીએ બુધવાર (12 જાન્યુઆરી)એ વીડિયો કોન્ફરન્સિંગ મારફથ પુડુચેરી ખાતે 25મા યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. વિવેકાનંદ જન્મજયંતી પર આયોજિત આ ઉત્સવનો શુભારંભ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘ભારત પાસે 2 અસીમ શક્તિઓ છે. એક ડેમોગ્રાફી અને બીજું ડેમોક્રસી. જે દેશ પાસે જેટલી યુવા શક્તિ હોય, તેની ક્ષમતાઓને એટલી જ વ્યાપક માનવામાં આવે છે. ભારત પાસે આ બંને શક્તિઓ છે.’

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનું સાચું નામ નરેન્દ્ર દત્ત હતું. 25 વર્ષના થયા ત્યારે પોતાના ગુરૂથી પ્રભાવિત થઈને નરેન્દ્રનાથે સાંસારિક મોહનો ત્યાગ કરીને સંન્યાસ સ્વીકાર્યો હતો. સંન્યાસ લીધા બાદ તેમનું નામ વિવેકાનંદ પડ્યું હતું. 1881ના વર્ષમાં વિવેકાનંદની મુલાકાત રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ હતી.

સ્વામી વિવેકાનંદજીની જયંતીને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય ‘યુવા દિવસ’ કે ‘સ્વામી વિવેકાનંદ જન્મદિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેના અનેક શાખા કેન્દ્રો ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે તેમને યાદ કરવા માટે આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે.

ભારત સરકારે સૌ પ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જયંતી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વડાપ્રધાને કહ્યું કે, ભારત પોતાના યુવાનોને વિકાસની સાથે લોકશાહીના મૂલ્યોની તાકાત માને છે. આજે ભારત અને દુનિયાના ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. 2022 ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પણ છે.

વડાપ્રધાને જણાવ્યું કે, અમે માનીએ છીએ કે, દીકરો અને દીકરી એક સમાન છે. આ વિચાર સાથે જ સરકારે દીકરીઓના સારા ભવિષ્ય માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. દીકરીઓ પોતાની કરીયર બનાવી શકે, તેમને વધારે સમય મળે, આ દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે આપણે શ્રી અરબિંદોની 150મી જયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની 100મી પુણ્યતિથિ પણ છે. આ બંને મનીષીઓનો પુડુચેરી સાથે ખાસ સંબંધ છે. આ બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે.