યોગગુરુ સ્વામી અધ્યાત્માનંદજી 1999માં ન્યૂ મેક્સિકોમાં વર્લ્ડ પીસ કોન્ફરન્સમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ફોટો સૌજન્યઃ http://www.divyajivan.org/

અમદાવાદ ખાતેના શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી અને જાણીતા યોગગુરુ સ્વામી અધ્યાત્મનંદજી શનિવારે સવારે 11 કલાકે બ્રહ્મલીન થયા હતા. તેમની ઉંમર 77 વર્ષ હતી. સ્વામીજીને કોરોના થયો હતો અને તેઓ 13 એપ્રિલથી અમદાવાદની SGVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ તેમના મૃત્યુ અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

મોદીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, યોગગુરુ સ્વામી અધ્યાત્માનંદજી પરમધામ સીધાવ્યા તે જાણી દુ:ખ થયું છે. આધ્યાત્મિકતા જેવા ગહન વિષયને તેઓએ સરળ શૈલીમાં સમજાવ્યો હતો. યોગ શિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી છે તેનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પું છું.

આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે અધ્યાત્માનંદજીએ 814 યોગાસન અને ધ્યાનના કેમ્પનું આયોજન કરીને સમગ્ર વિશ્વમાં યોગ, ધ્યાન અને પ્રણાયામનો પ્રચારપ્રસાર કર્યો હતો. 1999માં ન્યૂ મેક્સિકોમાં વર્લ્ડ પીસ કોન્ફરન્સમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના હાથ નીચે અનેક યોગ શિક્ષકો તૈયાર થયાં છે. તેઓ સ્વામી ચિદાનંદજીના શિષ્ય હતા. 1971માં તેઓની બ્રહ્મચારી તરીકે દીક્ષા થઈ હતી અને 1974માં સન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી હતી. ગુરુના આદેશથી 1995માં અમદાવાદના શિવાનંદ આશ્રમમાં તેઓનું આગમન થયું હતું. ત્યારબાદ આશ્રમનો ઉત્તરોત્તર વિકાસ થયો હતો. તેઓ ઉમદા લેખક અને ઉત્તમ વક્તા હતાં. તેમનું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત 10lથી વધુ ભાષાઓ પર પ્રભુત્વ હતું. તેમના ગીતા નવનીતમ પુસ્તકને 2003માં ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મહર્ષિ અરવિંદ ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.