બેન્ક ઑફ ઇંગ્લેન્ડ (Photo-by-Peter-MacdiarmidGetty-Images.jpg)

ભારતીય નાગરિક સ્વાતિ ઢીંગરાની તા. 12ના રોજ ટ્રેઝરી વિભાગ દ્વારા બેંક ઓફ ઈંગ્લેન્ડની રેટ-સેટિંગ મોનેટરી પોલિસી કમિટીના નવા સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. તેમની નિમણૂકથી સમિતિમાં મહિલાઓની સંખ્યા વધીને ત્રણ થશે, જે 2005 પછીની સૌથી વધુ સંખ્યા છે.

41 વર્ષના ધીંગરા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર છે અને આગામી ઓગસ્ટ માસમાં નવ વ્યક્તિઓની બનેલી સમિતિમાં જોડાશે. તેઓ છ વર્ષ કામગીરી કરી પદ છોડનાર માઈકલ સોન્ડર્સનું સ્થાન લેશે. તેઓ અઠવાડિયાના ત્રણ દિવસ માટે કામ કરશે અને £156,500નો પગાર મળશે.

બેન્કે ફુગાવા પરનો અંકુશ ગુમાવી દીધો છે અને જીવનનિર્વાહના ખર્ચમાં વધારો થવાથી ઉધાર રકમ મેળવવાના ખર્ચમાં વધારો થશે. બેન્કે ગયા અઠવાડિયે તેના બેઝ રેટને છ મહિનામાં ચોથી વખત વધારીને 1 ટકા કર્યો હતો, પરંતુ સાથે ચેતવણી આપી હતી કે આ વર્ષે ફુગાવો 10 ટકાથી ઉપર વધવાની ધારણા છે, જે તેના 2 ટકાના લક્ષ્યાંક કરતાં પાંચ ગણો છે.

ઢીંગરાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો અને અમેરિકાની પ્રિન્સટનમાં ફેલોશિપ મેળવી હતી. તેમને ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ એન્ડ ટ્રેડ તેમજ ઉપખંડના અર્થશાસ્ત્રના તજજ્ઞ તરીકે જોવામાં આવે છે. તેઓ બ્રેક્ઝિટના આર્થિક પરિણામોના ઉગ્ર ટીકાકાર રહી ચૂક્યા છે અને દલીલ કરે છે કે તેનાથી આર્થિક વૃદ્ધિ ધીમી થઈ છે અને બ્રિટનમાં સરેરાશ વ્યક્તિ £650-£1,000 પ્રતિવર્ષ ગરીબ બની છે.