iStock image

લંડન સ્થિત મુસ્લિમ ટેલિવિઝન અહમદિયા ઇન્ટરનેશનલ (એમટીએ) સ્ટેશન માટે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા ઘાનાની મુસાફરી કરનાર 31 વર્ષીય યુવાન બ્રિટિશ પત્રકાર સૈયદ તાલય અહેમદની સશસ્ત્ર લૂંટારાઓએ લુટફાટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી હતી.

બે બાળકોના પિતા સૈયદ અહેમદ 23 ઓગસ્ટના રોજ ઘાનાના ઉત્તરીય ક્ષેત્રમાંથી એક ફિલ્મનું શૂટીંગ કરી સાથીઓ સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર સશસ્ત્ર લૂંટારુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લુંટારાઓએ કાર પર ગોળીઓ છોડી કારના ટાયરને વીંધી નાંખી કારને અટકાવવાની ફરજ પાડી હતી.  તેમણે અહમદ અને ઉમારુ અબ્દુલ હકીમ નામના સ્થાનિક ઘાનીયન સાથીદારને ફટકાર્યા હતા. ફાયરીંગ દરમિયાન કેટલીક ગોળીઓ વાહનમાં ઘૂસીને તેમને વાગતા તે બન્ને ઘાયલ થયા હતા. તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાતા અહેમદને બાદમાં મૃત જાહેર કરાયો હતો. તેમના મૃતદેહને યુકે પરત લવાયો હતો. લુંટારાઓ તેમનો મોબાઈલ ફોન અને અચોક્કસ રકમ લૂંટી ભાગી ગયા હતા.

સરે ખાતે રહેતા અહમદના કાકા આબિદ ખાને તેને ઉષ્માભર્યો અને પરિવાર પ્રત્યે વફાદાર ગણાવી જણાવ્યું હતું કે ‘’તેના મૃત્યુ સાથે સંમત થવું “ખૂબ જ પીડાદાયક” છે. હું તેની સમગ્ર સફર દરમિયાન તેની સાથે સતત સંપર્કમાં હતો. હુમલાના દિવસે પણ તે મને અપડેટ કરતો હતો. તેની 31 વર્ષની પત્ની અને તેનો પાંચ વર્ષનો છોકરો અને એક વર્ષની છોકરી તેનું ગૌરવ અને આનંદ હતા. ‘’

અહેમદનો જન્મ હાર્ટલેપૂલમાં થયો હતો અને 2013માં તે લંડન ગયો હતો. એમટીએમાં જોડાયા પહેલા તેણે સન્ડરલેન્ડ યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો.

ટીવી સ્ટેશનના પ્રવક્તાએ કહ્યું હતું કે “તે એમટીએ ટીમના ખૂબ જ પ્રિય સભ્ય હતા અને શ્રદ્ધા પ્રેરક દસ્તાવેજી અને કાર્યક્રમોની શ્રેણી બનાવી હતી. અમે દરરોજ તેને યાદ કરીશું અને તેમણે કરેલા મહાન કાર્યને આગળ વધારવા પ્રયત્ન કરીશું. અહેમદ ઘાનામાં અહમદિયા મુસ્લિમ સમુદાય દ્વારા હાથ ધરવામાં આવેલા ચેરિટી કાર્યો પર પ્રકાશ પાડતી એક ડોક્યુમેન્ટરીનું ફિલ્માંકન કરી રહ્યો હતો.”

ઘાનીયન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’અહમદને નિશાન બનાવનાર છ શકમંદો અસંખ્ય લૂંટ અને હત્યાના કેસમાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે. પોલીસ અધિકારીઓ સાથેના “એન્કાઉન્ટર”માં બે માર્યા ગયા હતા જ્યારે અન્ય ચારની ધરપકડ કરવામાં આવી હતી.