પહેલગામ ત્રાસવાદી હુમલા અને હત્યાંકાડ ૫છી પછી ભારતે પાકિસ્તાન સામે આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. 23 એપ્રિલના રોજ સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠક પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. અટારી બોર્ડર પર સંકલિત ચેક પોસ્ટ બંધ કરી દીધી છે અને પાકિસ્તાની નાગરિકોને અપાયેલા તમામ વિઝા રદ કરી દીધા હતા.

ભારતે તેના લશ્કરની ત્રણે પાંખોને સંભવિત કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનો આદેશ આપી દીધો છે. પાકિસ્તાને પણ પોતાનું લશ્કર સાબદું કર્યું હોવાના અહેવાલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના ડઝનબંધ દેશોના નેતાઓ સાથે વાતચીત કરીને ભારતનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે રજૂ કર્યો છે. આ સાથે જ લગભગ 100 વિદેશી દૂતાવાસોના રાજદ્વારીઓને વિશેષ બ્રીફિંગ અપાયું હતું.

વિશ્વભરના ભારતીય સમુદાયના લોકોએ પાકિસ્તાન વિરોધી દેખાવો યોજી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મૃત્યુ પામેલા લોકોને અંજલિ આપી હતી. પાકિસ્તાને તેના સ્વભાવ મુજબ લાજવાના બદલે ગાજવાનો અભિગમ દાખવ્યો હતો.

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાના આશરે 48 કલાકમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ચેતવણી આપી હતી કે આતંકવાદીઓ અને પહેલગામ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના કરતાં પણ વધુ આકરી સજા મળશે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોનો પીછો કરીને, તેમની શોધી કાઢવામાં આવશે અને સજા કરાશે. પહેલગામ આતંકવાદી હુમલામાં બે પાકિસ્તાનની બંદૂકધારીઓની ઓળખ થઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર આ ચેતવણી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમુદાય સુધી આ શક્તિશાળી સંદેશ પહોંચે તે માટે પોતાના ભાષણમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

બિહારના મધુબનીમાં એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બિહારની ધરતી પરથી હું દુનિયાને કહી રહ્યો છું કે ભારત દરેક આતંકવાદી અને તેમની પાછળ રહેલા લોકોને ઓળખશે અને સજા કરશે. અમે દુનિયાના છેડા સુધી તેમનો પીછો કરીશું… ભારતનો જુસ્સો ક્યારેય તૂટી જશે નહીં અને આતંકવાદ સજા પામ્યા વિના રહેશે નહીં. ન્યાય થાય તે સુનિશ્ચિત કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવશે. આખું રાષ્ટ્ર આ સંકલ્પમાં મક્કમ છે અને માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ આપણી સાથે છે.હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે… આ આતંકવાદીઓ અને આ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.

મોદીએ આ એલાન સાથે વૈશ્વિક સમુદાયને સંદેશ આપ્યો હતો કે તે આ ક્રૂર હુમલાને ચૂપચાપ સહન કરશે નહીં. અંગ્રેજી સંદેશમાં પહેલગામ હુમલાની નિંદા કરનારા યુરોપિયન યુનિયન,અમેરિકા, ઇઝરાયલ, રશિયા અને ચીનનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

 

 

LEAVE A REPLY