પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારત સરકારે 84 કંપનીઓના 2.91 લાખથી વધુ ‘એનિમી પ્રોપર્ટી’ શેર વ્યક્તિગત અને કોર્પોરેટ્સ રોકાણકારોને તબક્કાવાર ધોરણે વેચવાની યોજના બનાવી છે. ખાસ કરીને 1947 અને 1962ની વચ્ચે પાકિસ્તાન અને ચીનની નાગરિકતા લઇને ભારતમાં છોડી ગયેલા લોકોની સંપત્તિને એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે છે.

જાહેર નોટિસમાં જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં સરકાર 20 કંપનીઓમાં લગભગ 1.88 લાખ શેર વેચવા માંગે છે અને સરકારે વ્યક્તિઓ, NRIs, હિંદુ અવિભાજિત પરિવારો (HUFs), ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB), ટ્રસ્ટ અને કંપનીઓ સહિત 10 કેટેગરીના ખરીદદારો પાસેથી આઠ ફેબ્રુઆરી સુધી બિડ આમંત્રિત કર્યા છે. સૂચિત શેર વેચાણ દેશમાં “દુશ્મન મિલકત”ના નિકાલ માટે સરકારની પહેલનો એક ભાગ છે.

ખરીદદારોએ તેઓ જે શેર ખરીદવા માંગે છે તેના માટે બિડ કરવી પડશે અને સરકાર દ્વારા નિર્ધારિત રિઝર્વ પ્રાઇસથી નીચે ટાંકવામાં આવેલ કોઈપણ ભાવને નકારવામાં આવશે.

હાલમાં 84 કંપનીઓના આશરે 2.91 લાખ શેર કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટીઝ ફોર ઈન્ડિયા (CEPI) પાસે છે. જાહેર નોટિસમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)એ જણાવ્યું હતું કે સરકાર 84 કંપનીઓના 2,91,536 શેર વેચવાની દરખાસ્ત કરે છે. તેમાં પસંદગીની 20 કંપનીઓના નામો અને 1,87,887 શેર્સનું પણ લિસ્ટિંગ કર્યું છે. સરકાર આ તમામ કંપનીઓના શેરનો રિઝર્વ ભાવ નક્કી કરશે, જે જાહેર કરાશે નહીં.

CEPIની કસ્ટડી હેઠળ દુશ્મનના શેરના નિકાલ માટેની પ્રક્રિયા અને મિકેનિઝમને કેબિનેટે આઠ નવેમ્બર, 2018એ મંજૂરી આપી હતી. એસબીઆઈ કેપિટલ માર્કેટ્સની મર્ચન્ટ બેન્કર તરીકે નિમણુક કરાઈ છે.

DIPAMએ જણાવ્યું હતું કે રસ ધરાવતા ખરીદદારોએ તેમની બિડ સબમિટ કરવાની રહેશે, તેમાં તેઓ જે કંપનીઓ માટે બિડ કરવા માગે છે તેના શેરની સંખ્યા અને સંબંધિત શેરની બિડ પ્રાઇસ ચોક્કસ ફોર્મમાં દર્શાવવી પડશે. ભારત સરકારની મંજૂરીને આધીન ભાવ અગ્રતાના ધોરણે માન્ય કિંમતની બિડ સબમિટ કરનાર પાત્ર બિડર્સને શેર ફાળવવામાં આવશે.

ગયા મહિને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય કુમાર મિશ્રાએ સંસદમાં માહિતી આપી હતી કે દેશમાં દુશ્મનોની મિલકતોનો નિકાલ કરવાની પહેલના ભાગરૂપે સરકાર દ્વારા રૂ. 2,709 કરોડથી વધુના શેર વેચવામાં આવ્યા હતાં. આવા શેરનું વેચાણ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ પર કરવામાં આવે છે. આ સમિતિ શેરની સંખ્યા અને ભાવ સ્તર સૂચવે કરે છે. દુશ્મનની મિલકતના વેચાણ અથવા નિકાલની રકમ ભારતના કોન્સોલિડેટેડ ફંડમાં જમા કરવામાં આવે છે.

 

LEAVE A REPLY

5 − 2 =