પ્રતિકાત્મક તસવીર (istockphoto)
યુકે સરકારે ગેરકાયદે વસાહતીઓ સામે લાલ આંખ કરી વિવિધ આકરા પગલા ભરવાની જાહેરાત કરી છે. આવા લોકો માટે યુકેમાં રહેવાનું મુશ્કેલ બને અને સરકારનો સંદેશો એવા લોકો સુઘી પહોંચે કે જેઓ ગેરકાયદે યુકેમાં ઘૂસવા અવનવા હથકંડા અજમાવી રહ્યા છે.
સરકારે ગેરકાયદે રહેતા લોકોને નોકરી આપનારા એમ્લોયરો કે ઘર ભાડે આપનારા મકાનમાલિકોને £45,000થી £60,000 સુધીનો – હાલની તુલનાએ ત્રણ ગણો દંડ ફટકારવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ સરકારે નવો ટાસ્કફોર્સ બનાવી દેશમાં રહેવાના અધિકારો મેળવવા માટે ગેરકાયદે પ્રવેશતા લોકોને જૂઠું બોલવાનું કોચિંગ આપનારા “કુટિલ” ઇમિગ્રેશન લોયર્સને સજા કરવાની જાહેરાત કરી છે. સરકારે બોટોમાં બેસીને ગેરકાયદે ઘૂસી આવતા લોકોને મોંઘી હોટેલોના બદલે પરવડી શકે તેવા સસ્તા બાર્જ પર રહેવા મોકલવાની શરૂઆત કરી છે.
યુકે હોમ ઑફિસે સોમવારે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે યુકેમાં રહેતા લોકોને નોકરી આપનાર એમ્પ્લોયરો જો પહેલી વખત નોકરી આપતા પકડાય તો અગાઉ £15,000 દંડ કરાતો હતો. પરંતુ 2024ની શરૂઆતથી દંડની રકમ દરેક ગેરકાયદેસર કામદાર દીઠ £45,000 કરાઇ છે. જો તેઓ બીજી વખત પકડાય તો દંડની રકમ £20,000થી વધારીને £60,000 સુધી કરાઇ છે.
આજ રીતે મકાનમાલિકો જો યુકેમાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને પોતાનું ઘર ભાડે આપે તો મકાનમાલિકો માટેનો દંડ પ્રતિ લોજર દીઠ £80 અને પ્રથમ વખત ભંગ કરવા માટેના £1,000 પ્રતિ કબજેદાર (ભાડૂત)થી વધારીને લોજર દીઠ £5,000 અને કબજેદાર ભાડૂત દીઠ £10,000 સુધીનો કરાયો છે. જો જે તે મકાન માલિક ફરીથી પકડાશે તો આ દંડની રકમ લોજર દીઠ £10,000 અને કબજેદાર ભાડૂત દીઠ £20,000 સુધીની કરાઇ છે.
યુકેના ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે “જોખમી અને બિનજરૂરી રીતે નાની બોટ દ્વારા દેશમાં આવતા લોકોને રોકવા માટે દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર કરીને રહેનારાઓ માટે યુકેમાં કામ કરવું અને રહેવાનું મુશ્કેલ બનાવવું એ મહત્વપૂર્ણ છે. તેમને મળતી નોકરીઓ અને રહેવાના ઘર ભાડે મળતા હોવાથી તેમની દાણચોરી વધે છે અને મજબૂત બને છે. આથી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને હવે નોંધપાત્ર રીતે સખત દંડનો સામનો કરવો પડશે.”
2018થી ગેરકાયદેસર કામદારોને રોજગારી આપવા બદલ લગભગ 5,000 લોકો પાસેથી £88.4 મિલિયનની રકમનો દંડ જારી કરાયો છે. જ્યારે કુલ 320 મકાનમાલિકોને સિવિલ પેનલ્ટીઝ સાથે કુલ £ 215,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. એમ્પ્લોયરો અને મકાનમાલિકોએ હોમ ઑફિસની ઑનલાઇન ચેકિંગ સિસ્ટમ પર કામદાર કે ભાડૂતની તપાસ કરવી જરૂરી છે. આ વર્ષની શરૂઆતમાં ગેરકાયદેસર રીતે યુકેમાં રહેતા લોકોને બેંકના ખાતાથી દૂર રાખવા માટે ટાસ્ક ફોર્સ શરૂ કરાયો હતો. જે તેમના નાણાકીય ક્ષેત્ર સાથેના ડેટા શેર કરતો હતો. સરકારે ગેરકાયદેસર કામ કરતા અને ભાડે રહેતા લોકોને પકડવા માટેની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી પણ વધારી છે. જે ગત વર્ષની સરખામણીએ 50 ટકા વધી છે અને 2019 પછીના તેમના ઉચ્ચતમ સ્તરે હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

2 × 2 =