The Repair Shop
  • અમિત રોય દ્વારા

બીબીસી ટીવીના ધ રિપેર શોપ કાર્યક્રમ દરમિયાન એક પેપર કન્ઝર્વેટરે જૈન ધર્મના ક્ષતિગ્રસ્ત ધાર્મિક પેઇન્ટિંગને પ્રેમપૂર્વક પુનઃસ્થાપિત કરતા સ્વર્ગસ્થ માતાની છેલ્લી નિશાની જેવા આ પેઇન્ટીંગ્સને જોઇને જૈન ધર્મ સાથે જોડાયેલા નોર્થ વેસ્ટ લંડનના સ્ટેનમોરના જૈશ્મિન શાહ રડી પડ્યાં હતાં.

જૈશ્મિને જણાવ્યું હતું કે શત્રુંજય મંડત ભગવાન શ્રી આદિશ્વર દાદાજીની સોનેરી મૂર્તિ ધરાવતી પેઇન્ટિંગ તેની માતા માટે ખાસ હતી અને 1972માં ઇદી અમીને એશિયનોને હાંકી કાઢ્યા ત્યારે તેનો પરિવાર તસવીરને યુકે લાવ્યો હતો. તે દરમિયાન ચિત્રની સમગ્ર સપાટી પર નુકસાન થયું હતું. આ ચિત્ર મારા નાનાએ 1959માં જૈનોના તીર્થસ્થાન ગુજરાતના પાલિતાણાથી ખરીદ્યું હતું. જેને યુગાન્ડામાં તેમના ઘરના પૂજાના રૂમમાં રાખવામાં આવ્યુ હતું. જૈશ્મિન ચિત્રને પુનઃસ્થાપિત કરી પોતાની માતાની યાદમાં ઘરમાં મૂકવા માંગતી હતી.’’

લુઈસે ફિનિશ્ડ પ્રોડક્ટનું અનાવરણ કરતા દર્શકો અચંબિત થઇ ગયા હતા અને જૈશ્મિન માટે તે ભાવનાત્મક ક્ષણ હતી.

જૈશ્મિન તેના આંસુ માટે માફી માંગતા જણાવ્યું હતું કે “તે મારી અપેક્ષા કરતાં વધુ સુંદર છે. મને લાગે છે કે મારી માતા અહીં છે. અને હું ખૂબ જ ખુશ છું. હું જોઈ શકું છું કે શા માટે મારી માતા તેના પ્રેમમાં પડી હતી. તે અદ્ભુત છે. આભાર.”

આ શ્રેણીનું શૂટિંગ વેસ્ટ સસેક્સના સિંગલટનમાં વેલ્ડ અને ડાઉનલેન્ડ લિવિંગ મ્યુઝિયમમાં કરવામાં આવ્યું છે.

બીબીસીના જણાવ્યા મુજબ, “ધ રિપેર શોપ એ સપના સાચવવાનો વર્કશોપ છે. જ્યાં કુટુંબની તૂટેલી અથવા ક્ષતિગ્રસ્ત ચીજવસ્તુઓના વારસાને જીવંત કરવામાં આવે છે. ફર્નિચર રિસ્ટોરર્સ, હોરોલોજીસ્ટ, મેટલ વર્કર્સ, સિરામિસીસ્ટ, અપહોલ્સ્ટર અને તમામ પ્રકારના કુશળ કારીગરો અને મહિલાઓને એક અસાધારણ જગ્યામાં એકસાથે લાવવામાં આવ્યા છે. જેથી તેઓ ખૂબ જ પ્રિય વસ્તુઓને તેમના ભૂતપૂર્વ ગૌરવમાં પુનઃસ્થાપિત કરે છે.”

શરૂઆતમાં, લુઈસના સાથીદાર, ફર્નિચર રિસ્ટોરર વિલ કર્ક આશ્ચર્યચકિત થઈ ગયા હતા કેમ કે તેઓ જૈન ધર્મથી બહુ પરિચિત ન હતા.

જૈશ્મિને સમજાવ્યું હતું કે “તે ધર્મ છે કે જીવન જીવવાની રીત છે. જો તમે જૈન છો, તો તમે જીવનની એવી રીતને અનુસરો છો, જે તમારી આસપાસના અન્ય જીવોને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે. જેને મારી માતા અનુસરી હતી.”

યુગાન્ડામાંથી એશિયનોને હાંકી કાઢ્યા ત્યારે એરપોર્ટ પર તેની માતાને આઘાતગ્રસ્ત બાળકોથી અલગ કરી સૈનિકો દ્વારા ઘરેણાંની શોધ કરાઇ હતી. પરંતુ સૂટકેસમાં સાડીની અંદર મૂકેલા પેઇન્ટિંગમાં કોઈ રસ ન હતો. ઈંગ્લેન્ડમાં તેમનો પરિવાર નવ મહિના શરણાર્થી શિબિરમાં રહ્યો હતો. તે પેઇન્ટિંગને ઘરની સીડીની નીચે એક નવા પૂજા રૂમમાં ઘર મળ્યું હતું. તેની માતાનું 2015માં અવસાન થયું હતું.

જ્યારે લુઈસે જૈશ્મિનને કહ્યું કે પેઇન્ટિંગ પર જે ચમકતું હતું તે ખરેખર સોનું હતું ત્યારે તે

આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

જૈશ્મિન કહે છે કે “મને નથી લાગતું કે મારી માતા આ જાણતી હતી. જ્યારે હું પેઇન્ટિંગ જોઉં છું, ત્યારે મને ફક્ત મારી માતાનો હસતો ચહેરો દેખાય છે. તે લાંબા સમયથી અમારા પરિવારમાં છે અને તેનાથી તેણીને હિંમત અને શક્તિ મળી હતી. આશા છે કે તે મને તેના કરતાં અડધી શક્તિ આપશે.’’

બ્રિટિશ કન્ઝર્વેટર્સ વિશ્વના શ્રેષ્ઠ પૈકીના એક શા માટે છે તે કૌશલ્ય દર્શાવતા લુઈસે સપાટીને હળવેથી સાફ કરી જાપાનીઝ ટિશ્યુ વડે ચિત્રની પાછળથી મજબૂત કરી સિંદૂર, પીળા ઓચર, ઈન્ડિગો અને ગોલ્ડ લીફનો ઉપયોગ કર્યો હતો. તેણે જૈન ધર્મની આસ્થાને જોતાં જિલેટીનને બદલે સીવીડનો ઉપયોગ કર્યો હતો. ચિત્રની સપાટી અને ગ્લેઝિંગ વચ્ચે જગ્યા હોય તે રીતે નવી ફ્રેમમાં મૂકાયું હતું.