આ વર્ષે સમર (ઉનાળા) માં યુરો ટી-20 ક્રિકેટ લીગનો આરંભ કરવાની યોજના હવે આવતા વર્ષ ઉપર પાછી ઠેલવાની સ્થિતિ ઉભી થઈ છે કારણ કે આ સ્પર્ધા માટેની ટીમોના ત્રણ સંભવિત માલિકો યુરો ટી-20ના બદલે હવે ઈંગ્લેન્ડની ધી હન્ડ્રેડ સ્પર્ધાની ટીમોમાં હિસ્સાની ખરીદીને આખરી ઓપ આપવા તરફ વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.
યુરોપિયન ટી-20 પ્રિમિયર લીગ (ઈટીપીએલ)ની આંશિક માલિકી ભારતીય અભિનેતા અભિષેક બચ્ચનની છે અને તેમાં આયર્લેન્ડ, સ્કોટલેન્ડ તથા ધી નેધરલેન્ડ્ઝની શહેરો સ્થિત ફ્રેન્ચાઈઝો પણ સામેલ છે. મૂળ આયોજન મુજબ તો આ યુરો ટી-20 આગામી જુલાઈમાં શરૂ થવાની હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે છ ટીમોની આ સ્પર્ધાને બહાલી આપી છે અને નિર્ધારિત કાર્યક્રમ મુજબ તે આગામી 15 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રમાનારી હતી. હવે જો કે, એકથી વધુ સૂત્રોએ બીબીસી સ્પોર્ટને જણાવ્યું છે કે, આ ટુર્નામેન્ટ નિશ્ચિતપણે આ વર્ષે તો નહીં જ યોજી શકાય. આ ટુર્નામેન્ટનું સંચાલન ક્રિકેટ આયર્લેન્ડ દ્વારા થવાનું છે અને તેમાં સ્કોટલેન્ડ અને ધી નેધરલેન્ડઝના બોર્ડનો સહયોગ રહેશે.
યુરો ટી-20ની મેચો ડબ્લીન, બેલફાસ્ટ, એડિનબરા, ગ્લાસગો, એમ્સ્ટરડેમ અને રોટરડેમમાં રમાવાનું આયોજન છે. આ છ શહેરો સ્થિત ફ્રેન્ચાઈઝમાંથી ઓછામાં ઓછી ત્રણ માટેના કરાર અંતિમ તબક્કામાં હતા અને એવી આશા હતી કે બાકીનાના કરારો પણ એ પછી ઝડપથી આટોવી શકાશે.
પણ ઈંગ્લેન્ડની ધી હન્ડ્રેડ ફ્રેન્ચાઈઝના સોદા સમયસર પત્યા નહીં હોવાના કારણે તે માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે અને તેના પગલે યુરો ટી-20નું આયોજન પણ વિલંબમાં પડ્યું છે.
