FILE PHOTO: REUTERS/Adnan Abidi//File Photo

ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજવાની ચૂંટણી પંચે શુક્રવાર, પહેલી ઓગસ્ટે જાહેરાત કરી હતી. ગયા મહિને ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના અચાનક રાજીનામા પછી આ ચૂંટણની જરૂરિયાત ઊભી થઈ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરતાં હોય છે.

ચૂંટણી માટે જાહેરનામું 7 ઓગસ્ટના રોજ બહાર પડાશે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ રહેશે. ચૂંટણીનું પરિણામો મતદાનના દિવસે એટલે કે 9 સપ્ટેમ્બર જાહેર થશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ભાજપના વડપણ હેઠળના એનડીએ અને કોંગ્રેસના વડપણ હેઠળના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર જોવા મળશે. વિપક્ષ પણ પોતાનો સંયુક્ત ઉમેદવાર ઊભો રાખે તેવી શક્યતા છે. જોકે એનડીએ ગઠબંધન માટે પોતાના ઉમેદવારની વિજયી બનાવવા માટે હાલમાં પૂરતું સંખ્યાબંધ છે.

અગાઉ ચૂંટણી સત્તાવાળાએ જણાવ્યું હતું કે તેને સંસદના બંને ગૃહોના સાંસદોનો સમાવેશ કરતી ઇલેક્ટોરલ કોલેજની રચના શરૂ કરી દીધી છે. ચૂંટાયેલા અને નોમિનેટેડ બંને સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકશે.

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સોમવાર, 22 જુલાઇએ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના હોદ્દા પરથી અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખડનો પાંચ વર્ષનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના રોજ સમાપ્ત થતો હતો, પરંતુ તેમને વહેલા રાજીનામા આપી દેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યાં હતાં. તેઓ 11 ઓગસ્ટ 2022ના આ પદ પર નિયુક્ત થયા હતાં.

નિયમો મુજબ ઉપરાષ્ટ્રપતિ પદ માટે આગામી છ મહિનાની અંદર ચૂંટણીઓ યોજવી પડે છે. જોકે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી સંભાળી શકે છે.

 

 

LEAVE A REPLY