Getty Images)

લોકડાઉનના ત્રણ મહિના બાદ હવે ઇન્ગ્લેન્ડમાં બિનઆવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો પણ ખોલવામાં આવી છે. જો કે, આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જેમ કે સુપરમાર્કેટ, ફાર્મસી અને બેન્ક તો પહેલેથી જ ચાલુ હતી. હવે બુક શોપથી માંડી તૈયાર વોની દુકાનો પણ ખુલી ગઇ છે.

વડા પ્રધાન બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે લોકોએ ખરીદી કરવી જોઇએ, અને તેઓ સલામત છે તેવા વિશ્વાસ સાથે ખરીદી કરવી જોઇએ. હું તમને તમે સલામત છો તેવી ખાતરી આપું છું. યુકેના નાણાં પ્રધાન રિશિ સૌનકે પણ લોકોને ખરીદી કરવા માટે પાનો ચડાવતાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપનો દર રિઓપનિંગ કરી શકાય તેટલો કાબૂ હેઠળ છે.

દરમ્યાન સિંગાપોરમાં 214 કોરોનાના નવા કેસ નોંધાયા છે જેમાં 211 કેસો ડોરમિટરીઓમાં રહેતાં વિદેશી કામદારોમાં નોંધાયા છે. સિંગાપોરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 40,818 થઇ છે. પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 97 જણાના કોરોનાને કારણે મોત થયા છે જેના પગલે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 2729 થઇ છે. 5,248 કેસ નવા નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 144676 થઇ છે.

ચીનની રાજધાની બિજિંગમાં 42 સહિત કુલ નવા 67 કેસ નોંધાતા બિજિંગમાં હોલસેલ માર્કેટની મુલાકાત લેનારા તમામ લોકોનો ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરમ્યાન સિવિલ એવિએશન રેગ્યુલેટરે જણાવ્યું હતું કે 11 જુને સાઇના સધર્ન એરલાઇન્સની બંગલાદેશથી આવેલી ફલાઇટમાં 17 પેસેન્જરના કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ઢાકાથી ગુઆંગજાઉની આ વિમાનીસેવા બંધ કરી દેવામાં આવી છે.

જર્મનીમાં ત્રણ મહિના બાદ યુરોપના 27 દેશોમાં પ્રવાસ કરવા પર મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જર્મનીએ તેની સરહદે કરવામાં આવતી તપાસને પણ બંધ કરી દીધી છે. જો કે, હજી સ્પેન, ફિનલેન્ડ, નોર્વે અને સ્વિડનના નાગરિકો માટે જર્મનીમાં પ્રવાસ કરવાનું જોખમી છે. સ્પેન, નોર્વે અને સ્વિડને મુકેલાં પ્રતિબંધોની મુદત લંબાવવામાં આવી હોવાથી તેમને જર્મનીમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી નથી.

સોમવારે જ સ્વિટઝરલેન્ડે પણ યુરોપ અને બ્રિટનથી આવતાં પ્રવાસીઓ માટે પ્રતિબંધો હટાવી દીધાં છે. ડેનમાર્કે પણ જર્મની, નોર્વે અને આઇસલેન્ડથી આવતાં પ્રવાસીઓ માટે સરહદ ખોલી નાંખી છે પણ પ્રવાસીઓએ છ દિવસનું બુકિંગ કરાવવું જરૂરી છે. નોર્વેએ પણ તેના પાડોશી દેશો આઇસલેન્ડ, ડેનમાર્ક અને ફિનલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે સીમાઓ ખોલી નાંખી છે.