ભાજપ શાસિત ગુજરાતમાં વિસાવદર વિધાનસભા બેઠક પર 19 જૂને યોજાનારી પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાની શક્યતા છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) એ પહેલાથી જ તેના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. બીજી તરફ વિરોધ પક્ષના ગઠબંધન ભાગીદાર કોંગ્રેસે જણાવ્યું છે કે તે પેટાચૂંટણીમાં એકલા લડશે. આ બેઠક પર ભાજપ ભૂપત ભાયાણીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
રવિવારે ચૂંટણી પંચે જૂનાગઢ અને મહેસાણા જિલ્લાના વિસાવદર અને કડી વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ કોંગ્રેસ અને ભાજપે વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પેટાચૂંટણી 19 જૂને યોજાશે અને મતગણતરી 23 જૂને થશે. કડીની બેઠક પર ભાજપ હેતુ કનોડિયાને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
AAPએ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે અને કોંગ્રેસે અગાઉ કહ્યું હતું કે તે ગઠબંધનમાં જોડાશે નહીં અને પેટાચૂંટણીમાં એકલા લડશે.મહેસાણામાં પત્રકારો સાથે વાત કરતા, ગુજરાતના આરોગ્ય મંત્રી અને ભાજપ સરકારના પ્રવક્તા હૃષિકેશ પટેલે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ગુજરાતના લોકો કોંગ્રેસ કે અન્ય કોઈપણ પક્ષને નકારી કાઢશે.ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ પેટાચૂંટણી માટે તૈયારીઓ ખૂબ પહેલાથી શરૂ કરી દીધી હતી.
તત્કાલીન AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા પછી ડિસેમ્બર 2023થી જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ખાલી પડી છે. જ્યારે મહેસાણાની કડી બેઠક ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન પછી 4 ફેબ્રુઆરીથી ખાલી છે.
