બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન (Getty Images)

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમનાં પત્ની મેગનને બુધવારે ટાઇમ મેગેઝિનના સૌથી પ્રભાવશાળી 100 લોકોના વૈશ્વિક વાર્ષિક અંકના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ગાયકો એલિશ અને બ્રિટની સ્પીઅર્સ તથા ઓલિમ્પિક જિમાન્સ્ટ સિમોન બાઇલ્સનો પણ સમાવેશ કરાયો છે.

હેરી અને મેગન ગત વર્ષે તેમની રાજવી ફરજોમાંથી મુક્ત થઇને બ્રિટનથી કેલિફોર્નિયા આવ્યા હતા. સન્માનિતોની તસવીરો ધરાવતા સાત વિશ્વવ્યાપી કવરપેજમાંથી એકમાં તેમને સ્થાન અપાયું હતું.

ફોટોમાં રાજવી દંપતી જોવા મળે છે અને ત્યાં ડ્યૂક અને ડચેઝ ઓફ સસેક્સ લખવામાં આવ્યું છે, તેમની પાછળ વૃક્ષ જોવા મળે છે, અને તેઓ કેઝ્યુલ વસ્ત્રોમાં સજ્જ છે.

ટાઇમ મેગેઝિનના મુખ્ય તંત્રી એડવર્ડ ફેલસેન્થાલે જણાવ્યું હતું કે, 100 લોકોની યાદીમાં ‘વિશ્વના અસાધારણ અગ્રણીઓ વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે કામ કરી રહ્યા છે’, જે ‘સંકટના વર્ષમાં સંઘર્ષમાં ઉતર્યા છે’.

100 લોકોની યાદીમાં ક્રમ આપવામાં આવ્યો નથી, તેમાં 54 મહિલાઓનો સમાવેશ કરાયો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન, વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા રાજકીય વ્યક્તિઓને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રિન્સ હેરી અને મેગને સ્વતંત્ર જીવન જીવવા માટે 2020માં બ્રિટન છોડી દીધું હતું અને પોતાના આર્ચવેલ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. ઉપરાંત તેમણે ટીવી શો અને પોડકાસ્ટના નિર્માણ માટે આકર્ષક પ્રસ્તાવો પણ સ્વીકાર્યા હતા.

બિનનફાકારક વર્લ્ડ કિચનને ભંડોળ આપનાર શેફ જોસ એન્ડ્રેસ આર્ચવેલ ફાઉન્ડેશનનમાં ભાગીદાર છે, તેમણે એક શ્રદ્ધાંજલિમાં લખ્યું હતું કે, દંપતી માટે મૌન રહેવું સલામત રહ્યું હોત.

ReplyForward