બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સની ફાઇલ તસવીર . (Photo by Leon Neal/Getty Images)

મુસ્લિમ મહિલાઓએ પહેરેલા બુરખા વિશે વડા પ્રધાન બોરિસ જોન્સને કરેલી ટિપ્પણીએ એવી છાપ ઉભી કરી હતી કે ટોરી પાર્ટી “મુસ્લિમ સમુદાયો પ્રત્યે સંવેદનશીલ નથી” એમ એક સ્વતંત્ર સમીક્ષામાં કહેવામાં આવ્યું છે. વડા પ્રધાને 2019માં તેમનો કન્ઝર્વેટીવ પક્ષમાં ભેદભાવો પ્રવર્તે છે કે કેમ અને તેઓ કેવી રીતે ભેદભાવના આરોપોને સંભાળે છે તે જાણવા સ્વતંત્ર તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ આપ્યો હતો.

આ રીપોર્ટમાં જણાયું હતું કે પક્ષમાં સ્થાનિક સંગઠન અને વ્યક્તિગત સ્તરે મુસ્લિમ વિરોધી મંતવ્યો જોવા મળ્યા છે. પરંતુ “સંસ્થાકીય જાતિવાદ”ના દાવાઓની ફરિયાદોને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવી તેના પુરાવા જણાવવામાં આવ્યા નથી.

પ્રોફેસર સ્વરન સિંઘે કથિત ઇસ્લામોફોબીયા અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભેદભાવ અંગેની સ્વતંત્ર સમીક્ષામાં જણાવ્યું હતું કે ‘’કન્ઝર્વેટિવ્સની ફરિયાદ પ્રણાલીને સુધારવાની જરૂર હોવાના “સ્પષ્ટ પુરાવા” છે. જો કે કોઈ પણ ખાસ સમુદાયને વ્યવસ્થિત રીતે નિષ્ફળ કરી હોવાના “પક્ષ પાસે કોઈ પુરાવા મળ્યા નથી.’’

આ અહેવાલનો જવાબ આપતા કન્ઝર્વેટિવ પ્રવક્તાએ કહ્યું: “પક્ષ રિપોર્ટ દ્વારા નક્કી કરેલી ભલામણો પર વિચાર કરી રહ્યો છે. અમે પછી જવાબ આપીશું.”

કન્ઝર્વેટીવ પક્ષમા કેટલાક સભ્યો અને પ્રતિનિધિઓ દ્વારા ઇસ્લામોફોબીક વર્તન કરવામાં આવતું હોવાના આરોપો લગાવાયા બાદ ડિસેમ્બર 2019માં આ અહેવાલ માટે કહેવાયું હતુ. પ્રો. સિંઘની આગેવાની હેઠળની સમિતિએ 2015થી કરવામાં આવેલી ફરિયાદોની “પ્રકૃતિ અને હદ”ની તપાસ કરી હતી.

લંડનના મેયર પદ માટે સાદિક ખાન અને લોર્ડ ગોલ્ડસ્મિથ પ્રચાર કરતા હતા ત્યારે બોરીસ જોન્સને મુસ્લિમ મહિલાઓ વિશે ટકોર કરી હતી. તેમની ટિપ્પણી “મુસ્લિમ સમુદાયો પ્રત્યે કેટલાક પક્ષ અને નેતૃત્વ પ્રત્યે સંવેદનશીલ ન હતી”.

2018 માં, જોન્સને ટેલિગ્રાફ અખબારની કોલમમાં લખ્યું હતું કે બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાઓ “લેટર બૉક્સ જેવી અને “બેંક લૂંટારાઓ જેવી લાગે છે” તપાસમાં જોન્સને કહ્યું હતું કે “મને સાંકળતા કોઈપણ ગુના બદલ દેખીતી રીતે દિલગીર છું. શું હું આજે મારા ભૂતકાળના લખાણોમાંથી કેટલીક વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી શકું? ના, હવે હું વડા પ્રધાન છું તેથી હું નહીં કરું.”

આ અહેવાલમાં જણાવાયું હતું કે 2015થી 2020 સુધીમાં પાર્ટીના સેન્ટ્રલ ડેટાબેઝમાં કથિત ભેદભાવની 727 ઘટનાઓ સંબંધિત 1,418 ફરિયાદો નોંધાઈ છે. તે પૈકી બે તૃતીયાંશ મુસ્લિમ વિરોધી ભેદભાવના આક્ષેપોથી સંબંધિત છે. કન્ઝર્વેટિવ્સના ફરિયાદ ડેટાબેઝમાં નોંધાયેલા તમામ બનાવોની 75 ટકા ફરિયાદોમાં સોશિયલ મીડિયા પ્રવૃત્તિ સામેલ છે. 231 કેસોમાં 50 ટકામાં સસ્પેન્શન અને 29 ટકામાં પક્ષમાંથી હાંકી કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી. 418 ઘટનાઓમાં અન્ય કારણો, પુરાવાના અભાવ અથવા પાર્ટીમાં ન હોય તેવી કોઈ વ્યક્તિને લગતી ફરિયાદને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, ‘’ઇસ્લામ સંબંધિત ફરિયાદોને ભેદભાવના અન્ય સ્વરૂપોથી સંબંધિત જુદી રીતે વર્તવામાં આવે છે તેવા “કોઈ પુરાવા મળ્યા નથી. મુસ્લિમ વિરોધી શબ્દો અને આચરણથી સંબંધિત પક્ષ દ્વારા જ ગેરવર્તણૂકની ફરિયાદો અને તારણોને ધ્યાનમાં લેતા, પક્ષમાં મુસ્લિમ વિરોધી ભાવના એક સમસ્યા રહી છે. જે  પાર્ટીને નુકસાનકારક છે, અને સમાજના નોંધપાત્ર વર્ગને અલગ કરે છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ પાર્ટી પર ઘણા વર્ષોથી ઇસ્લામોફોબીયાને પાર્ટીમાંથી દૂર કરવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ છે. યુગોવના 2018 ના સર્વેક્ષણમાં પણ કન્ઝર્વેટિવ પાર્ટીના લગભગ અડધા સભ્યો દેશનું વડપણ મુસ્લિમને આપવાનું પસંદ કરતા નથી તેવું જાણવા મળ્યું હતુ.

કન્ઝર્વેટિવ મુસ્લિમ ફોરમના તત્કાલીન અધ્યક્ષ, મોહમ્મદ અમીને, તેમની પાર્ટી પર ઈસ્લામોફોબીઆના નિવારણ માટે “નિર્ણાયક પગલા” લેવા કરતા “ચૂંટણીલક્ષી ચિંતા”નો હલ કરવાનો આક્ષેપ કર્યો હતો. કન્ઝર્વેટિવ્સની પહેલી મહિલા મુસ્લિમ કેબિનેટ મંત્રી, બેરોનેસ સૈઇદા વારસીએ પણ પક્ષ “સંસ્થાકીય રીતે ઇસ્લામોફોબીક” હોવાનો આક્ષેપ કર્યો હતો.

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની સ્પર્ધા દરમિયાન, તત્કાલીન હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ઇસ્લોમોફોબીયાના આક્ષેપોની બાહ્ય તપાસ હાથ ધરવા જણાવ્યું હતું.

પ્રો. સિંઘના અહેવાલ પર પ્રતિક્રિયા આપતાં, EHRC એ કહ્યું: “અમે તપાસની સંદર્ભની શરતોની સાથે અહેવાલનું મૂલ્યાંકન કરીશું અને તેઓ જે પગલાં લેશે તેના પર કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રતિસાદની રાહ જોશું. આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે અને તે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળ કોઈ ટિપ્પણી કરવાની અમને અપેક્ષા નથી.”