લંડનના મેયર માટેના કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર શૉન બેઇલી એક સર્વેક્ષણ મુજબ લેબર પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન મેયર સાદિક ખાન કરતા 25 પોઇન્ટ પાછળ છે. લંડનમાં સીધી હાર દેખાતા ટોરી સાંસદોને હવે લંડનને બદલે વેસ્ટ મિડલેન્ડ્સના મેયર તરીકે બીજી વખત ઉભા રહેલા એન્ડી સ્ટ્રીટ અને ટીઝ વેલીમાં મેયર પદ માટે ફરીથી ઉભા રહેલા બેન હાઉજન વતી પ્રચાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. એક કેબિનેટ મંત્રીના મતે સિટી હોલમાં કન્ઝર્વેટિવ પાર્ટીની જીતવાની સંભાવના બહુ ઓછી છે.

6 મેના રોજ ઇંગ્લેન્ડમાં ડિસ્ટ્રીક્ટ અને કાઉન્ટી કાઉન્સિલ, પોલીસ અને ક્રાઈમ કમિશ્નરો અને રાજધાની સહિત વિવિધ શહેરના મેયરની ચૂંટણીઓ શામેલ થનાર છે.

ધ સન્ડે ટાઇમ્સના અહેવાલ મુજબ આધારભૂત સ્ત્રોતના જણાવ્યા મુજબ સાંસદોને હવે બેઇલી માટે પ્રચાર ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ટોરીઝ લેબરના ગઢ સમાન કહેવાતા રેડ વૉલના આ બે વિસ્તારોમાં મેયર પદ ફરીથી સ્થાપિત થાય તે જોવા માટે તત્પર છે જ્યાંથી બોરીસ જોન્સન 2019ની ચૂંટણીમાં લેબર સામે જીત્યા હતા.

વિકાસ, પૈસાના અભાવ અને કર્મચારીઓના શ્રેણીબદ્ધ ફેરફારો બેઇલીની ઝુંબેશ સામેનો પડકાર છે. સલાહકારોનો કાફલો દૂર કરાયો છે અને જેઓ બેઇલી માટે કામ કરતા હતા તેઓ બજેટમાં થઇ રહેલી કપાત જોઇ રહ્યા છે. બેઇલીએ ખાનને હરાવવા માટે અઢી વર્ષ મહેનત કરી છે અને  છેલ્લા નવ મહિનામાં તેમને હટાવવાના બે પ્રયત્નોનો સામનો કરી ચૂક્યા છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના સહ અધ્યક્ષ અને એમપી અમાન્ડા મિલિંગે ચેતવણી આપી હતી કે મે માસની ચૂંટણીમાં લેબરને “પોસ્ટ કોર્બીન બાઉન્સ”નો અનુભવ થઈ શકે છે અને પક્ષે કાઉન્સિલની 2,000 બેઠકો મેળવવા ઝઝૂમવુ પડશે. વળી લિબ ડેમ્સ પણ જોર લગાવશે.