પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં કોરોના મહામારીએ રોદ્ર સ્વરૂપ ધારણા કરતા વિશ્વના સંખ્યાબંધ દેશોએ ભારત પર ટ્રાવેલ નિયંત્રણો લાદ્યા હતા. બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, યુએઇ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ઇરાન, કુવૈત સહિત દેશોએ ભારતમાંથી ટ્રાવેલ પર લગભગ પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકાએ પણ ભારતમાં ટ્રાવેલ ન કરવાની એડવાઇઝરી જારી કરી હતી. બાંગ્લાદેશે ભારત સાથેની સરહદને સીલ કરી દીધી હતી.

બ્રિટને સાવધાનીના પગલાંરૂપે ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મુક્યું હતું. તેનાથી શુક્રવારથી ભારતમાંથી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિટન અને આઇરિશ નાગરિકો અને લોંગ ટર્મ યુકે રેસિડન્ટે પરત આવવવાના સમયે 10 દિવસ માટે હોટેલમાં ફરજિયાત ક્વોરેન્ટાઇન રહેવું પડશે. બ્રિટનના હિથ્રો એરપોર્ટે 22 એપ્રિલથી જ ભારતમાંથી વધારાની ફ્લાઇટને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો

અમેરિકાએ ગુરુવારે પોતાના નાગરિકો વેક્સિન સંપુર્ણપણે લઇ ચુક્યા હોય તો પણ ભારતનો પ્રવાસ ખાળવા ચેતવણી આપી દીધી હતી. અમેરિકાએ નાગરિકોને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને માલદિવ્સનો પ્રવાસ ટાળવાની સૂચના આપી હતી.

કોરોનાના કેસોમાં અસાધારણ વધારાને પગલે કેનેડા સરકારે ગુરુવારે 22 એપ્રિલથી ભારત અને પાકિસ્તાનમાંથી તમામ પેસેન્જર ફ્લાઇટ પર 30 માટે માટે પ્રતિબંધ મૂક્યો હતો. કેનેડાનો કોઇ દેશ સામે આ સૌથી લાંબો ટ્રાવેલ પ્રતિબંધ છે. ફ્લાઇટ પરના પ્રતિબંધનો અમલ ગુરુવારની મધ્યરાત્રીથી થશે, એમ પરિવહન પ્રધાન ઓમાર અલઘાબ્રાએ ગુરુવારે જણાવ્યું હતું.જોકે કાર્ગો ફ્લાઇટ પર હજુ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. કેનેડાને આશા છે કે ભારત કેનેડાને વેક્સીનનો સપ્લાય આપશે. કેનેડાએ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા મારફત એસ્ટ્રાઝેનેકાના 1.5 મિલિયન ડોઝની ખરીદી કરી છે. જોકે ભારતે વેક્સીનની નિકાસ બંધ કરી દીધી છે.

યુનાઇટેડ આરબ અમિરાત (UAE) રવિવાર, 24 એપ્રિલથી દસ દિવસ માટે ભારતમાંથી ટ્રાવેલ પર પ્રતિબંધ મૂક્યો હતો. UAE દસ દિવસ બાદ આ આ પ્રતિબંધની સમીક્ષા કરશે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ છેલ્લાં 14 દિવસથી ભારત ટ્રાન્ઝિક મારફત આવેલા મુસાફરોને યુએઇની ફ્લાઇટ માટે કોઇપણ પોઇન્ટ્સ પરથી બેસવા દેવામાં આવશે નહીં. જોકે યુએઇએ ડિપાર્ચર ફ્લાઇટ ચાલુ રાખી હતી.

ફાન્સ બુધવારે જાહેર કર્યું હતું કે કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા ભારતથી આવતા પ્રવાસી માટે તે ૧૦ દિવસનો ક્વોરેન્ટાઇન સમય નક્કી કરશે. હોંગકોંગે પણ ૧૪ દિવસ સુધી ભારતને સાંકળતી તમામ ફ્લાઇટ ૧૪ દિવસ સુધી સસ્પેન્ડ કરી દીધી છે.સિંગાપોરે ૨૪ એપ્રિલથી ભારતીય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. છેલ્લાં 14 દિવસમાં ભારતમાં મુસાફરી કરનારા તમામ લોંગ ટર્મ પાસ હોલ્ડર્સ અને શોર્ટ ટર્મ વિઝિટર્સને 24 એપ્રિલથી સિંગાપોરમાં પ્રવેશ મળશે નહીં. તેઓ ટ્રાન્ઝિટ તરીકે પણ સિંગાપોરનો ઉપયોગ કરી શકશે નહીં, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

કોરોના મહામારી અંગેના મલ્ટિ મિનિસ્ટરીયલ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન અને શિક્ષણપ્રધાન લોરેન્સ વોંગે જણાવ્યું ગુરુવારે જણાવ્યું હતું કે આ નિર્ણયથી સિંગાપોરમાં પ્રવેશવાની અગાઉથી મંજૂરી મેળવનારા લોકોને પણ અસર થશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરુવાર, 22 એપ્રિલે ભારત જેવા ઊંચું જોખમ ધરાવતા કોવિડ-19 દેશોમાંથી ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટની સંખ્યામાં ઓછામાં ઓછા 30 ટકાનો કાપ મૂક્યો છે.

જર્મનીએ ભારત સાથેના પેસેન્જર ટ્રાફિક પર હંગામી નિયંત્રણોની જાહેરાત કરી હતી. જર્મનીના આરોગ્ય પ્રધાન જેન્સ સ્પેહને જણાવ્યું હતું કે વેક્સીનેશન પ્રોગ્રામ પર જોખમ ન થાય તે માટે ભારત સાથેના પેસેન્જર ટ્રાફિક પર નોંધપાત્ર નિયંત્રણોની જરૂર છે. રશિયાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રવિવારની સાંજથી માત્ર જર્મન નાગરિકો ભારતમાંથી પ્રવેશ કરી શકશે. જર્મની ટૂંક સમયમાં ભારતને હાઇ રિસ્ક કન્ટ્રીઝની યાદીમાં મુકશે.

કુવૈત અને ઇરાને પણ ભારતમાંથી ફ્લાઇટ અને પેસેન્જર્સ પર વધુ નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી નિયંત્રણો મૂક્યા હતા. કુવૈત સરકારે શુક્રવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી ભારત સાથે ડાયરેક્ટ કોમર્શિયલ એર લિન્કને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર કુવૈતના નાગરિકોને થર્ડ કન્ટ્રી મારફત પરત આવવાની મંજૂરી આપવામાં આવશે.

ઇરાનના સત્તાવાળાએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન સાથે ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇટલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરન્ઝાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે છેલ્લાં 14 દિવસમાં ભારતમાં રહેલા વિદેશી પ્રવાસીઓના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા આદેશ પર તેમણે હસ્તાક્ષર કર્યા છે. પ્રધાને જણાવ્યું હતું કે ઇટલીને નાગરિકોને નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટ સાથે ભારતમાંથી પરત આપવાની મંજૂરી મળશે. જોકે ઇટલીમાં આગમન સમયે તેમનો કોરોના ટેસ્ટ થશે અને ક્વોરેન્ટાઇન થવું પડશે. અમારા વિજ્ઞાનીઓ કોરોનાના ઇન્ડિયન વેરિયન્ટનો અભ્યાસ કરી રહ્યાં છે.