કોરોના મહામારીની ઉત્પત્તિને લઈને ફરી એકવખત ચીન ચર્ચામાં છે. આ વખતે અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, આ વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાની ઉત્પત્તિને લઈને ચીન સામે આંગળી ચિંધી હતી.

હવે, ટ્રમ્પની પાર્ટીના રિપોર્ટમાં ચીનની લેબમાંથી કોરોના વાયરસ લીક થયાની વાત કહેવાઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ પમ કોરોનાની ઉત્પત્તિને લઈને ચીનના વુહાનમાં તપાસ કરી ચૂકી છે.

અમેરિકાની રિપબ્લિકન પાર્ટી દ્વારા સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, કોરોના મહામારીને જન્મ આપનારા કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનની વુહાન લેબમાં થઈ છે. આ રિપોર્ટમાં એ વાતને ફગાવી દેવાઈ છે કે, આ વાયરસ મીટ બજારમાંથી ફેલાયો છે. તેમાં કહેવાયું છે કે, તેના પૂરતા પુરાવા છે કે, તે સપ્ટેમ્બર પહેલા વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી લીક થયો હતો અને દુનિયાએ તો ઘણા મહિના પછી આ બીમારી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.