અમેરિકાની ટ્રમ્પ સરકારે ટેકનોલોજી કંપનીઓ દ્વારા વ્યાપક પણે ઉપયોગમાં લેવામાં આવતા H-1B ઇમિગ્રેશન વીઝાના નિયમો વધુ આકરા બનાવ્યા છે. નવી સિસ્ટમમાં અમેરિકાના લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. નવા નિયમો મુજબ કંપનીઓએ વિદેશી પ્રોફેશનલ લાવતા પહેલા અમેરિકાના નાગરિકોને વાસ્તવિક ઓફર કરવાની રહેશે. નવા નિયમોથી ભારતના ટેકનોલોજી પ્રોફેશનલને નુકસાન થવાની ધારણા છે.

હોમલેન્ડ સિક્યોરિટીઝ ડિપાર્ટમેન્ટે હાઇલી સ્કીલ્ડ વર્કર્સ માટે H-1B વિઝા માટે મંગળવારે નવા નિયમોની જાહેરાત કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ H-1B પ્રોગ્રામ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફેડરલ જજ ગયા સપ્તાહે મનાઈહુકમ આપ્યો હતો.
H-1B વિઝાના નવા નિયમોમાં સ્પેશ્યલ્ટી ઓક્યુપેનની વ્યાખ્યા સીમિત કરવામાં આવી છે. અગાઉની વ્યાપક વ્યાખ્યાને આધારે કંપનીઓ સિસ્ટમનો લાભ લેતી હતી. નવા નિયમોનો અમલ 60 દિવસના પ્રતિભાવ પિરિયડ બાદ થશે. અમેરિકા દર વર્ષે 85000 H-1B વિઝા આપે છે.

ટ્રમ્પ સરકારે બે ઇન્ટરિમ ફાઇનલ રૂલ્સ (IFRs) જારી કર્યા છે. તેમાં વેતનના માપદંડ વધારવામાં આવ્યા છે અને યોગ્યતાના ધોરણો આકરા બનાવવામાં આવ્યા છે. કેટલીક વ્યાખ્યાને સીમિત બનાવવામાં આવી છે અને થર્ડ પાર્ટી વર્કસાઇટ જેવી નવી વ્યાખ્યા નિર્ધારિત કરવામાં આવી છે.

નવા નિયમોમાં H-1Bની મુદતને મર્યાદિત કરવામાં આવી છે. હવે થર્ડ પાર્ટી સાઇટ પર કર્મચારીને વધુમાં વધુ એક વર્ષ માટે રાખી શકાશે. હાલમાં તેના સમયગાળો ત્રણ વર્ષનો છે. આ નવા નિયમથી ભારતની આઇટી સર્વિસિસ કંપનીઓને મોટો ફટકો પડશે, કારણ કે કંપનીઓ H-1B વિઝા કર્મચારીને થર્ડ પાર્ટી ક્લાયન્ટ સાઇટ પર રાખતી હોય છે.