(REUTERS/Carlos Barria)

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પરાજયની નજીક હોવા છતાં તેઓ હજુ પરાજય સ્વીકારવા માટે તૈયાર નથી. ટ્રમ્પની ટીમે સંખ્યાબંધ કોર્ટ કેસ દાખલ કર્યા છે. પરંતુ કાનૂની નિષ્ણાતો જણાવે છે કે કોર્ટમાં કેસથી ચૂંટણીનું પરિણામ ન બદલાય તેવી શક્યતા છે.

ટ્રમ્પે ટ્વીટર પર પોસ્ટ કરી હતી કે જો બિડેનને પ્રેસિડન્ટના હોદ્દા માટે ખોટો દાવો કરવો જોઇએ નહીં. હું પણ આવો દાવો કરી શકું છું. કાનૂની કાર્યવાહી હવે ચાલુ થઈ છે.

રિપબ્લિકન સમર્થકોએ કાનૂની ખર્ચ માટે આશરે 60 મિલિયન ડોલર એકત્ર કરવાની યોજના બનાવી છે. ટ્રમ્પની ટીમે કેટલાંક રાજ્યોમાં કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રમ્પની જોઇન્ટ ફંડરેઇઝિંગ કમિટી માટે 100 મિલિયન ડોલર એકત્ર કરવા માગે છે. મંગળવારે મતદાન પૂરું થયા બાદ ટ્રમ્પની ટીમે ડોનેશનની માગણી સાથે ઇ-મેઇલ અને ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા. ટ્રમ્પના એક સલાહકારે ટ્રમ્પની ટીમની લિટિગેશન વ્યૂહરચનાને યોગ્ય માળખા વગરની દર્શાવી હતી.