વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો) REUTERS/Kevin

ભારતના જાણીતા મીડિયા આઉટલેટ એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાનદાર કામ કરી રહ્યાં છે અને ભારત પાસે મારા કરતાં વધુ સારો મિત્ર ક્યારેય ન હતો. ટ્રમ્પે 2024માં પ્રેસિડન્ટની ચૂંટણી લડવાનો પણ સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

ન્યૂયોર્ક નજીક બેડમિસ્ટરમાં એક્સક્લૂસિવ ક્લબમાં રેકોર્ડ કરાયેલા આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે દરેક ઇચ્છે છે કે હું ચૂંટણી લડું. હું આ અંગે ખૂબ જ નજીકના ભવિષ્યમાં નિર્ણય કરીશ. તેઓ ભારત સાથે પ્રેસિડન્ટ જો બાઇડન કે બારાક ઓબામા કરતાં વધુ સારી સંબંધો ધરાવે છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તમારે વડાપ્રધાન મોદીને પૂછવું જોઇએ, પરંતુ મને લાગે છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે હતા તેવા વધુ સારા સંબંધો ક્યારેય થયા નથી.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં લોકપ્રિયતા માટે જેટલા પણ સર્વે થયા (રિપબ્લિકન પાર્ટી કે પછી વિપક્ષી) તેમાં પોતે સૌથી આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘હું આ સર્વેમાં અને દરેક સર્વેમાં આગળ ચાલી રહ્યો છું, મને લાગે છે કે હું નજીકના ભવિષ્યમાં જલ્દી જ નિર્ણય લઈશ. અને મને લાગે છે કે મારા નિર્ણયના કારણે અનેક લોકોને આનંદ થશે.’

ટ્રમ્પે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તાલમેલ વિશે પણ ખુલીને વાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, ‘મારે ભારત સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શાનદાર સંબંધો રહ્યા છે.. અમે મિત્રો રહી ચુક્યા છીએ.. મને લાગે છે કે તેઓ ઉમદા વ્યક્તિ છે અને જોરદાર કામ કરી રહ્યા છે. તેમનું કામ સરળ નથી. પણ અમે એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ. તેઓ સારા છે.’

LEAVE A REPLY

one + one =