Getty Images)

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે દેશના સૈન્ય છાવણીઓના નામ બદલવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આ અંગે વિચાર પણ કરવામાં આવશે નહીં, આ મહાન અમેરિકન વારસો છે. અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ બાદ અશ્વેતઓના સમર્થનમાં દેખાવો ચાલુ છે. કેટલાક લોકો આ છાવણીઓના નામ અમેરિકન અધિકારીઓના નામ પરથી રાખ્યા હોવાથી જાતિવાદ ગણાવી રહ્યા છે. એવી અટકળો ચાલી રહી હતી કે, સરકાર અમેરિકન સિવિલ વોરમાં લડનાર કન્ફેડરેટ આર્મી જનરલના નામ વાળા સૈન્ય છાવણીઓના નામ બદલી શકે છે.

ટ્રમ્પે ટ્વીટ કર્યું, “અમેરિકન અધિકારીઓના નામ પર સૈન્ય છાવણીઓ આપણા વારસોનો ભાગ છે. આ આપણા વિજય અને સ્વતંત્રતાના ઇતિહાસનું પ્રતીક છે. વિશ્વના એક મહાન દેશ તરીકે, આપણા ઇતિહાસ અને સૈન્ય સન્માનમાં કોઈપણ રીતે ચેડા થશે નહીં.” અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીએ બુધવારે કન્ફેડરેટ સૈન્ય અધિકારીઓની પ્રતિમાઓને હટાવવાની માગ કરી હતી.

તેમણે કહ્યું કે, જેમણે માત્ર જાતિવાદ માટે ક્રૂરતાને ન્યાય આપ્યો હતો, તેવા લોકો સાથે કોઈ વારસો જોડાયેલ હોવો જોઈએ નહીં. તેમની પ્રતિમાઓ નફરતની યાદ અપાવે છે, વારસાની નહીં. તેને હટાવવી જોઈએ. 1861થી 1865ની વચ્ચે સિવિલ યુદ્ધ થયું હતું. તે દક્ષિણ રાજ્યો અને ઉત્તરીય રાજ્યો વચ્ચે હતું. દક્ષિણ રાજ્ય તે સમયે કન્ફેડરેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરીકે ઓળખાતું હતું. કન્ફેડરેટ ઇચ્છતા હતા કે દક્ષિણના રાજ્યોમાં રંગભેદ ચાલુ રહે.

અશ્વેત ગુલામો ખરીદવા અને વેચવાની સ્વતંત્રતા હોવી જોઈએ, જ્યારે ઉત્તરી રાજ્યો આ રાજ્યોને ગુલામીથી મુક્ત કરવા માગતા હતા. ફ્લોયડના અવસાન પછી જાતિવાદનો મુદ્દો ફરી ચર્ચામાં છે. આવી સ્થિતિમાં કન્ફેડરેટ આર્મીના અધિકારીઓના નામ સામે વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કાયલી મેકનેનીએ કહ્યું કે સરકાર પોલીસ સુધારાની જાહેરાત કરી શકે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. તેમણે પ્રશ્નોના સમાધાન માટે 10 દિવસ શાંતિપૂર્ણ રીતે કાર્ય કર્યું છે. મને તેની અંતિમ રૂપરેખા તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. અમને આશા છે કે આગામી દિવસોમાં પોલીસ ખાતામાં જે સુધારાઓ કરવામાં આવી રહ્યા છે તે અમે તમારી સમક્ષ મુકીશું.