(Photo by Al Drago/Getty Images)

અમેરિકનોને માત્ર ૬૦૦ ડોલરની રાહત અપુરતી હોવાનું કારણ આપીને પ્રેસિડન્ટ ટ્રમ્પે કોવિડ-૧૯ રાહત બિલ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે રાહતની રકમ વધારીને 2000 ડોલર કરવા માટે કોંગ્રેસને સૂચના આપી હતી.

મંગળવારે રાત્રે ટ્વીટર પર પોસ્ટ કરેલા વિડિયોમાં તેમણે કહ્યું હતું કે આ બિલમાં વિદેશો માટે અઢળક પૈસાની જોગવાઇ કરી છે, પરંતુ અમેરિકનો માટે પૈસા ઓછા ફાળવ્યા હતા. થોડા મહિના પહેલા કોંગ્રસે નવા રાહત પેકેજ અંગે મંત્રણા શરૂ કરી હતી અને તે તાત્કાલિક ધોરણે અમેરિકનોને આપવાની હતી. મેં ક્યારે આટલી રકમની કલ્પના કરી ન હતી. આ તો અપમાન છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે હું કોંગ્રેસને આ બિલમાં સુધારો અને વધારો કરવા અપીલ કરૂં છું. ૬૦૦ ડોલરને બદલે તેમણે ૨૦૦૦ ડોલરની જોગવાઇ કરવી જોઇએ. જો દંપત્તિ હોય તો ૪૦૦૦ ડોલર આપવામાં આવે. કોંગ્રેસે સોમવારે કોરોનાના કારણે એપેડેમિક રીલીફ પેટે ૯૦૦ બિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. આ રકમ વેપારીઓ, વ્યક્તિઓ અને નિરાશ્રીતો માટે હતી. ઉપરાંત વેક્સિનેશન માટે પણ આમાંથી જ રકમ લેવાની હતી. બિલને મંજૂરી માટે પ્રમુખ ટ્રમ્પને મોકલવામાં આવ્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે હું કોંગ્રેસને તાત્કાલિક ધોરણે નકામા અને બિન જરૂરી ખર્ચ પર ઘટાડો કરવા અને ધારામાં નકામી કલમોને દૂર કરવા કહું છું. મને ફરીથી સુધારા-વધારા સાથેનું બિલ રજૂ કરે,અથવા તો આગામી વહીવટી તંત્રને કોવિડ-૧૯ રાહત પેકેજ આપવું પડશે. એ વહીવટી તંત્ર મારૂં જ હોઇ શકે છે.