(Photo by Pete Marovich/Getty Images)

અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે વ્હાઇટ હાઉસ પાસે થયેલી નેશનલ ગાર્ડની હત્યા પછી પોતાની ઇમિગ્રેશન પોલિસીને વધુ કડક બનાવીને ‘રીવર્સ માઇગ્રેશન’ની પ્રક્રિયા દ્વારા ઇમિગ્રેશનને સંપૂર્ણ અટકાવવાની યોજનાની જાહેરાત કરી હતી.

તાજેતરમાં એરફોર્સ વનમાં મુસાફરી દરમિયાન પત્રકારો સાથેની ચર્ચામાં ટ્રમ્પે તેમના ઇમિગ્રેશન એજન્ડાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું કે, વ્હાઇટ હાઉસ નજીક નેશનલ ગાર્ડ પર થયેલા જીવલેણ ગોળીબાર પછી ‘રીવર્સ માઇગ્રેશન’ની કાર્યવાહીને શરૂ કરવાની તેમની યોજના છે.

આ અગાઉ પણ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ‘થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ'(સૌથી ગરીબ દેશ)માંથી આવતા શરણાર્થીઓને અમેરિકામાં એન્ટ્રી આપવાનું કાયમી ધોરણે બંધ કરી દેશે. તેમણે આ હુમલાને શરણાર્થીઓ સાથે જોડીને જણાવ્યું કે ઇમિગ્રેશન પોલિસીના કારણે દેશના લોકોનું જીવન બદતર બની ગયું છે.

તેમણે કહ્યું, જે લોકો અમેરિકા માટે લાભકારક નથી અથવા જેઓ આપણા દેશને સાચો પ્રેમ નથી કરતા તેમને પણ રવાના કરાશે. આ પહેલાં ટ્રમ્પ પ્રશાસને ગુરુવારે જાહેરાત કરી હતી કે હવે 19 દેમાંથી આવેલા પ્રવાસીઓની સઘન તપાસ કરવામાં આવશે.

આ ‘રીવર્સ માઇગ્રેશન’ વિશે વિસ્તૃતમાં સમજાવવા માટે માગણી થતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘તેનો અર્થ એ છે કે આપણા દેશમાં રહેતા લોકોને બહાર કાઢો, તેમને અહીંથી બહાર કાઢો. હું તેમને બહાર કાઢવા ઇચ્છું છું.’

તેમણે માઇગ્રેશનની વર્તમાન પરિસ્થિતિ માટે તેમના પુરોગામી-ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડેનને પણ દોષિત ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘આપણી પાસે ઘણા લોકો છે, તેઓ આપણા દેશના ઇતિહાસમાં તેઓ સૌથી ખરાબ પ્રેસિડેન્ટ હતા, પરંતુ તેમણે એક સૌથી મોટું કામ કર્યું હતું, તેમણે મિલિયન્સ લોકોને આપણા દેશમાં આવકારીને સૌથી ખરાબ કર્યું છે, આવા લોકો તો અહીં હોવા જોઇએ જ નહીં.’

ટ્રમ્પે ચર્ચામાં એ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 20 વર્ષીય સ્પેશિયાલિસ્ટ સારા બેકસ્ટ્રોમનું મોત અને 24 વર્ષીય સ્ટાફ સાર્જન્ટ એન્ડ્રુ વોલ્ફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

LEAVE A REPLY