the official trailer video Grab

અંકિત સાખિયાની ફિલ્મ ‘લાલો-શ્રીકૃષ્ણ સદા સહાયતે’એ સિનેમા ઇન્ડસ્ટ્રીમાં મોટી હલચલ મચાવી છે. આશરે રૂ.50 લાખના સામાન્ય બજેટમાં બનેલી આ ગુજરાતી ફિલ્મે દર્શકોને ઘેલુ લગાડ્યું છે અને તે રૂ.100 કરોડની કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. સાતમાં સપ્તાહમાં ભારતમાં આ ફિલ્મની કમાણી રૂ.95.25 કરોડ થઈ હતી. આ ઉપરાંત વિદેશી માર્કેટમાંથી પણ રૂ.5.50 કરોડની કમાણી કરી હતી.

પ્રાદેશિક સિનેમાની વાત આવે છે ત્યારે સામાન્ય રીતે તેલુગુ, તમિલ અથવા કન્નડ સિનેમાનું વર્ચસ્વ હોય છે. પરંતુ આ પહેલી વાર છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મ પર સમગ્ર ઉદ્યોગનું ધ્યાન ખેંચાયું છે. સાતમા અઠવાડિયાની કમાણીના આંકડા ભારતમાં કાંતરા પછી બીજા ક્રમે છે. સાતમાં સપ્તાહની કમાણીમાં આ ફિલ્મે બાહુબલી 2 અને પુષ્પા 2 જેવી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોને પછાડી હતી.

ભારતમાં સામાન્ય રીતે કોઇપણ ફિલ્મ થોડા સપ્તાહો પછી આકર્ષણ ગુમાવી દીધી હતી. પરંતુ આ ગુજરાત ફિલ્મ આવા ટ્રેન્ડને પણ તોડી રહી છે. પહેલા અઠવાડિયામાં ૩૩ લાખ રૂપિયાની કમાણી કરી અને બીજા અઠવાડિયામાં ૨૭ લાખ રૂપિયાની કમાણી કરી હતી. બે સપ્તાહ પછી ફિલ્મ સામાન્ય રીતે સિનેમાઘરમાં બહાર ફેંકાઈ જતી હોય છે, પરંતુ ‘લાલો’એ ત્રીજા સપ્તાહમાં રૂ.62 લાખની કમાણી કરી હતી. આ ઉપરાંત ચોથા સપ્તાહની કમાણી વધી 12.08 કરોડ અને પાંચ સપ્તાહમાં રૂ.25.70 કરોડ થઈ હતી. આ કમાણીને જાળવી રાખીને ફિલ્મે 47 દિવસ પછી રૂ.76.55 કરોડની કમાણી કરી હતી.

આ ફિલ્મ વિશેષમાં જૂનાગઢની ભૂમિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ જૂનાગઢ શહેરના ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરો જેવા પાવન સ્થળોએ કરવામાં આવ્યું છે. આ એવી ગુજરાતી ફિલ્મ છે જે આધુનિક સમયમાં આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે છે. શ્રદ્ધા, મિત્રતા અને જીવનમૂલ્યોને સ્પર્શતી

આ ફિલ્મમાં વાર્તા, સંગીત, અભિનય અને દૃશ્યો દ્વારા દર્શકોને અનોખો અનુભવ થશે.આ ફિલ્મની સ્ટોરી એક રીક્ષા ચાલક યુવક (લાલો) પર આધારિત છે, જે દારૂના રવાડે ચઢી જાય છે અને ખરાબ સંગતમાં ફસાઈ જાય છે. આ યુવકને સુધારવા માટે ભગવાન શ્રીકૃષ્ણ આવે છે અને તેને યોગ્ય શિખામણ આપે છે. આમ, આ ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી છે. આ ફિલ્મમાં રીક્ષા ચાલકની આધ્યાત્મિક યાત્રા દર્શાવવામાં આવી છે. તે તેના ભૂતકાળની પીડામાંથી મુક્તિ મેળવવા સતત પ્રયાસ કરે છે, જ્યારે તે લાલચની જાળમાં ફસાય છે ત્યારથી શરૂ થાય છે તેની કૃષ્ણને મળવાની સફર.

આ ફિલ્મમાં આધ્યાત્મિક અને ભાવનાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ માત્ર ભગવાન જ નહીં પરંતુ આપણા જીવનમાં મિત્ર, માર્ગદર્શક અને વિચાર રૂપે કેવી રીતે પ્રગટ થાય છે. ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે, કે દરેક વ્યક્તિએ પોતાની અંદર રહેલા લાલાને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. આ ફિલ્મના મુખ્ય કલાકારોઃ રીવા રાછ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, આકાશ પંડ્યા અને મૌલિક ચૌહાણ છે.

LEAVE A REPLY