દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના બે અધિકારીઓ જાસૂસી કરતા રંગે હાથે ઝડપાયા છે. તેમના નામ આબીદ હુસેન અને તાહિર હુસેન છે. બંને પાકિસ્તાન હાઇ કમિશનના વિઝા વિભાગમાં કામ કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંનેને એક ભારતીય પાસેથી સંવેદનશીલ દસ્તાવેજો પ્રાપ્ત કરતી વખતે પકડવામાં આવ્યા હતા.

42 વર્ષના આબીદ હુસેન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શેખપુરા જિલ્લાના છે જ્યારે 44 વર્ષના મોહમ્મદ તાહિર ઇસ્લામાબાદના રહેવાસી છે. બંને દિલ્હીના રસ્તા પર મુક્તપણે ફરતા અને જાસૂસી કરતા હતા, પોતાને ભારતીય કહેવા માટે નકલી આઈડી બનાવી ફરતા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંનેને પર્સન નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. હવે બંનેએ 24 કલાકમાં ભારત છોડવું પડશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને પાકિસ્તાની અધિકારીઓની ભારત વિરોધી ગતિવિધિઓ પર પાકિસ્તાની ઉચ્ચાયોગમાં સખત વાંધો નોંધાવામાં આવ્યો છે. હાઇ કમિશનને કહેવામાં આવ્યું છે કે ભારતમાં રહીને ભારતની સુરક્ષાની વિરૂદ્ધ આ પ્રકારની હરકતોને સહન કરવામાં આવશે નહીં. પાકિસ્તાન હાઇ કમિશનના પ્રભારીથી સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે કે તેના રાજદ્વારી મિશનનો કોઈ પણ સભ્ય ભારત વિરોધી પ્રવૃત્તિમાં સામેલ ન હોય અથવા એવું કામ ના કરે છે ડિપ્લોમેટસની શાખ વિરૂદ્ધ હોય.

છેલ્લી વખત આ ઘટના 2016મા બની હતી. ત્યારબાદ ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં કામ કરતા મહેમૂદ અખ્તરને ગેરકાયદેસર રીતે સંવેદનશીલ દસ્તાવેજો પ્રાપ્ત કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. સરકારે તેમની વિરુદ્ધ પણ પ્રસન નોન-ગ્રેટા (અનિચ્છનીય વ્યક્તિ) રજૂ કરી તેમને પાકિસ્તાન પાછા મોકલી દીધા હતા.

તેમણે પૂછપરછ દરમ્યાન ભારતીય અધિકારીઓને કહ્યું હતું કે તે પાકિસ્તાની સૈન્યના બલૂચ રેજિમેન્ટમાં કામ કરે છે અને બાદમાં તેઓ આઈએસઆઈમાં જોડાયા છે, જે પાકિસ્તાનની ગુપ્તચર સેવા એજન્સી છે. તે 2013મા ભારત આવ્યા હતા. આ ઘટના બાદ પાકિસ્તાને ભારત સાથે આ રીતે જ વર્તન કર્યું અને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં કાર્યરત સુરજીતસિંઘને નોન ગ્રેટા જાહેર કરીને પાછા મોકલી દીધા હતા. સુરજીત સિંઘ ઇસ્લામાબાદમાં વેયફેયર ઓફિસર હતા.