પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુએઇએ ભારતમાંથી આવતા અને છેલ્લાં બે સપ્તાહથી ભારતમાં રહેલા લોકો માટે વિઝા-ઓન-એરાઇવલ સુવિધા બંધ કરી છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, અફઘાનિસ્તાન, નાઇજિરિયા, સાઉથ આફ્રિકા, યુગાન્ડા અને નામ્બિયાથી આવતા મુસાફરો માટે પણ આ નિયમ લાગુ પડશે.

UAEની નેશનલ એરલાઇન એતિહાદ એરવેઝે એક પ્રશ્નના જવાબમાં ટ્વીટ કર્યું હતું કે યુએઇએ ભારતમાંથી આવતા અને છેલ્લાં 14 દિવસથી ભારતમાં રહેલા લોકો માટે વિઝા-ઓન-એરાઇવલ સુવિધા હંગામી ધોરણે બંધ કરી છે. અમે અમારી વેબસાઇટ અપડેટ કરી રહ્યાં છીએ.

યુએઇનો પ્રવાસ કરતાં મુસાફરોએ ફ્લાઇટ બેસતા પહેલાના છ કલાકની અંદરનો કોવિડ-19 નેગેટિવ રેપિડ પીસીઆર ટેસ્ટ રિપોર્ટ લાવવો પડશે.

યુએઇના એમ્બેસીની વેબસાઇટમાં જણાવાયું છે કે યુએસ વિઝા, ગ્રીન કાર્ડ, યુકે રેસિડન્ટ પરમીટ અથવા ઇયુ (યુરોપિયન યુનિયન) રેસિડન્ટ પરમીટ સાથે રેગ્યુલર પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિકો 14 દિવસ માટે યુએઇમાં આગમન સમયે એન્ટ્રી વિઝા મેળવી શકે છે અને તેને સમાન ગાળા માટે માત્ર એક વખત લંબાવી શકાય છે.