(Photo by Tafadzwa Ufumeli/Getty Images)

યુકેમાં 22 નવેમ્બરથી દેશમાં આવતા વિદેશીઓ માટેની માન્ય કોરોના વેક્સિનની યાદીમાં ભારતની સ્વદેશી કોવેક્સિનનો સમાવેશ કરાશે. આ નિર્ણયથી બ્રિટન જવા ઈચ્છતા સેંકડો ભારતીય ટ્રાવેલર્સને લાભ થવાની ધારણા છે. આ માન્યતા પછી જેમણે કોવેક્સિન રસી લીધી છે તેવા યુકે જતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને હવે આઈસોલેટ નહીં થવું પડે.

બ્રિટને સોમવારે જાહેરાત કરી હતી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપ્યા બાદ યુકે તેની માન્ય વેક્સિનની યાદીમાં કોવેક્સિન તથા ચીનની સિનોવેક અને સિનોફાર્માનો સમાવેશ કરશે. વિશ્વભરમાં આ ત્રણેય વેક્સિનના આશરે એક બિલિયન ડોઝ આપવામાં આવ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તાજેતરમાં કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપ્યા પછી યુકેએ આ પગલું ભર્યું છે. અગાઉ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક અન્ય દેશોએ પણ કોવેક્સિનને મંજૂરી આપી હતી.

બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ટ્વીટ કર્યું હતું કે “યુકેની મુસાફરી કરવા ઈચ્છતા ભારતીય મુસાફરો માટે સારા સમાચાર છે. કોવેક્સિન સહિત WHOની ઈમર્જન્સી ઉપયોગની સૂચિમાં સામેલ કોવિડ-19 વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓને 22 નવેમ્બરથી આઈસોલેટ થવાની જરૂર નહીં પડે.

કોવેક્સિન લીધી હોય તેવા પ્રવાસીઓને આગમન વખતે પ્રી-ડિપાર્ચર ટેસ્ટ, ડે-8 ટેસ્ટ તથા સેલ્ફ આઈસોલેશનની જરૂર નહીં પડે. આ ફેરફાર 22 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી લાગુ થશે. UKના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે કહ્યું હતું કે નવી જાહેરાત ઈન્ટરનેશનલ ટ્રાવેલ ફરી શરૂ કરવાના આગળના તબક્કાનો સંકેત આપે છે.

કોવેક્સિન WHO તરફથી મંજૂરી મેળવનારી બીજી ભારતીય વેકિસન છે. કોવિશીલ્ડને અગાઉ WHOની મંજૂરી મળી હતી. એપ્રિલમાં કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે WHOનો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) સ્વીકાર્યો હતો.