Passport and visa

પોલિસીની જાહેરાત કર્યાના ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં ફેમિલી વિઝા પર જીવનસાથી અથવા ભાગીદારને યુકેમાં લાવવા કે સ્પોન્સર કરવા માટે બ્રિટિશ નાગરિકો અને કાયમી રહેવાસીઓના લઘુત્તમ વાર્ષિક પગાર £38,700ના બદલે £29,000ની કરવાની સરકારે જાહેરાત કરી છે. થ્રેશોલ્ડમાં પ્રસ્તાવિત વધારો તબક્કાવાર થશે એમ  હાઉસ ઓફ લોર્ડ્સમાં સરકારે એક લેખિત સંસદીય પ્રશ્નના જવાબમાં ગુરુવારે જણાવ્યું હતું.

આ ફેરફારો ફક્ત નવા વિઝા અરજદારોને જ લાગુ થશે. અહીં યુકેમાં પહેલાથી જ રહેતા લોકોને નવા નિયમોની અસર થશે નહિં અને તેમણે માત્ર £18,600ની લધુત્તમ કમાણી કરવી પડશે. આ ફેરફારો સશસ્ત્ર દળોના સભ્યોને પણ લાગુ પડશે.

સરકારે જણાવ્યું હતું કે 2024ની શરૂઆતમાં થ્રેશોલ્ડ £18,600ના વર્તમાન સ્તરથી વધારીને £29,000 કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં બે વખત વધારો કરાશે.

હોમ ઓફિસ મિનિસ્ટર લોર્ડ એન્ડ્રુ શાર્પે તેમના લોર્ડ્સના નિવેદનમાં જણાવ્યું હતું કે “લઘુત્તમ આવકની આવશ્યકતાને તબક્કાવાર વધારવામાં આવશે. સ્પ્રિંગ 2024માં, અમે થ્રેશોલ્ડ વધારીને £29,000 કરીશું. જે સ્કીલ્ડ વર્કર વિઝા માટે પાત્રતા ધરાવતી નોકરીઓ માટેની કમાણીનો 25મો પર્સેન્ટાઈલ છે.  તે પછી 40મા પર્સેન્ટાઈલ લેખે £34,500 અને છેલ્લે 50મા પર્સન્ટાઈલ લેખે £34,500 પગાર થશે.’’

તેમણે હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીના વલણનો પુનરોચ્ચાર કરતાં કહ્યું હતું કે ‘’MIR એક દાયકા કરતા વધુ સમય સુધી વધારવામાં આવ્યો ન હતો. કૌટુંબિક જીવન અહીં કરદાતાના ખર્ચે સ્થાપિત થવું જોઈએ નહીં અને જો તેઓ બ્રિટિશ જીવનમાં સંપૂર્ણ ભાગ ભજવવા માંગતા હોય તો કુટુંબના સ્થળાંતર કરનાર વ્યક્તિ તે માટે સક્ષમ હોવા જોઈએ. આ નિયમ સ્પ્રિંગમાં લાગુ થશે ત્યારે તે નેટ માઇગ્રેશન ઘટાડવામાં ફાળો આપશે.’’

આ પગલાની ઘણા ભારતીયોને અસર થશે. આ પગલાને વિપક્ષ દ્વારા “રોઇંગ બેક” તરીકે ઓળખવામાં આવ્યું છે.

હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ આ મહિનાની શરૂઆતમાં કોમન્સને કહ્યું હતું કે સ્કીલ વર્કર વિઝા રૂટ પર યુકે આવનારા લોકોને જીવનસાથી લાવવા હશે તો તેમના વાર્ષિક પગારનો થ્રેશોલ્ડ £38,700 હોવો જરૂરી બનશે.  લેબરના શેડો હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે સરકાર પર ફેરફારોની અસરનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો હતો.

આ પ્રસ્તાવ સ્કીલ્ડ વર્કર વિઝા માટે £26,200થી £38,700 સુધીની લઘુત્તમ કમાણીના થ્રેશોલ્ડમાં વધારો કરવાની પણ પુષ્ટિ કરે છે. જો કે હેલ્થ એન્ડ કેર વિઝા હેઠળ અરજી કરનારા ડોકટરો અને નર્સોને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના આશ્રિતોના નિયમો જાન્યુઆરીમાં અમલમાં આવશે અને બાકીના મોટાભાગના ફેરફારો એપ્રિલ 2024થી અમલમાં આવવાની ધારણા છે. હોમ ઑફિસ ઔપચારિક રીતે જાન્યુઆરી 2024માં સ્વતંત્ર માઇગ્રેશન એડવાઇઝરી કમીટી (MAC)ની ગ્રેજ્યુએટ રૂટ અથવા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાની સમીક્ષા કરવા રચના કરશે અને અપેક્ષા રાખે છે કે તે કામ આવતા વર્ષના અંત સુધી ચાલુ રહેશે. ડાયસ્પોરા વિદ્યાર્થી જૂથોએ રૂટની આ સૂચિત સમીક્ષા પર વ્યાપક ચિંતા વ્યક્ત કરી છે, જે અભ્યાસ પછીના કામના અનુભવ માટે મંજૂરી આપે છે અને ભારતના વિદ્યાર્થીઓ દ્વારા યુ.કે.ની યુનિવર્સિટીઓ પસંદ કરવા પાછળનું ટોચનું પરિબળ છે.

હોમ ઑફિસનો અંદાજ છે કે વસ્તીના 50થી 60 ટકા લોકો £29,000 થ્રેશોલ્ડને પહોંચી વળે એમ છે. આ વર્ષે ઇમિગ્રેશન નિયમોમાં કરેલા ફેરફારો દર વર્ષે લગભગ 300,000 જેટલો ઇમિગ્રેશનના પ્રવાહમાં ઘટાડો કરશે. આવતા મહિને અમલમાં આવનાર વિદેશી વિદ્યાર્થીઓને તેમની સાથે આશ્રિતો લાવવા પરના પ્રતિબંધથી લગભગ 140,000 જેટલું ઇમિગ્રેશન ઘટશે તથા કેર વર્કરો પરનો સમાન પ્રતિબંધ 140,000 જેટલો ઘટાડો કરશે. કેર વર્કર્સને માત્ર રેગ્યુલેટેડ કેર હોમ દ્વારા જ નોકરી પર રાખવાની મંજૂરી આપવાના નિયમો વધુ 20,000 જેટલા ઈમીગ્રેશનને ઘટાડશે. જ્યારે સ્કીલ્ડ વર્કર પરનો લઘુત્તમ પગાર થ્રેશોલ્ડ વધારીને £38,700 કરવાથી તેમની સંખ્યામાં 15,000નો ઘટાડો થશે. પણ ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં 66 ટકાનો વધારો નહિવત્ અસર કરશે.

LEAVE A REPLY

5 × 1 =