પ્રતિકાત્મક તસવીર (istockphoto)
બ્રિટનના બાંધકામ ઉદ્યોગમાં શ્રમિકોની તીવ્ર અછત નિવારવા વિદેશથી વધુ સરળતાથી શ્રમિકોને બોલાવવા વિઝાના નિયમોમાં સરકારે છૂટછાટો આપી છે.  નિયમોમાં નવા ફેરફાર મુજબ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના કુશળ કારીગરો, મિસ્ત્રીઓને આ સસ્તા વિઝાથી ફાયદો થશે અને રોજગારીના માપદંડમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. બ્રિટન કેટલાક ક્ષેત્રોમાં શ્રમિકોની તીવ્ર અછત અનુભવી રહ્યું હોવાથી વિવિધ કંપનીઓ વિદેશી કામદારોની ભરતી કરવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ, આ બાબત વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી માટે રાજકીય પીડાદાયક છે, કારણ કે, તે છેલ્લા એક દસકાથી માઇગ્રેશન ઘટાડવાનું વચન આપી રહી છે.
ગૃહ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશમાં નવા શ્રમિકો લાવવાથી “મુખ્ય રાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે અને સંબંધિત ઉદ્યોગોની વૃદ્ધિને ઉત્તેજન મળશે.” સ્વતંત્ર માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ માર્ચમાં એવી ભલામણ કરી હતી કે, બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની અછતગ્રસ્ત વ્યવસાયની યાદીમાં સમાવેશ કરવામાં આવે. આ યાદીમાં અગાઉથી જ કેર વર્કર્સ, સિવિલ એન્જિનિયર્સ, લેબોરેટરી ટેકનિશિયન્સ અને હેલ્થકેર ક્ષેત્રની કામગીરીનો સમાવેશ થાય છે. બ્રિટનમાં ગત વર્ષે ચોખ્ખું માઇગ્રેશન 606,000ના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યું હોવાનું મે મહિનામાં જાહેર થયેલા આંકડા દર્શાવે છે. વિદેશીઓનું આગમન ઘટાડવા માટે સુનકે નવા વચનો આપ્યા હતા.
બ્રેક્ઝિટના ટીકાકારો કહે છે કે, યુરોપિયન યુનિયનમાંથી યુકેના બહાર નીકળવાથી શ્રમિકોની અછત વધી છે, કારણ કે ઇયુ નાગરિકો હવે અગાઉની જેમ બ્રિટનમાં કામ કરવા માટે વિઝા વગર મુસાફરી કરી શકતા નથી.એક સરકારી નિવેદન મુજબ શ્રમિકોની અછત અનુભવી રહેલા વ્યવસાયમાં કામ કરનારાઓને નોકરીના સામાન્ય દરના 80 ટકા રકમ ચૂકવવામાં આવી શકે છે અને તેમ છતાં તેઓ વિઝા માટે યોગ્યતા ધરાવે છે. અરજદારોને કંપનીઓ તરફથી નોકરીની ઓફરની હોવી અને અરજદારો અંગ્રેજી ભાષાની જાણકારી જરૂરત પૂર્ણ કરતા હોય તે આવશ્યક છે.

LEAVE A REPLY

3 × 1 =