
યુકેમાં આ સમરનો ત્રીજો હીટવેવ આ વીકેન્ડમાં આવવાની આગાહી છે અને તે અત્યાર સુધીનો સૌથી વ્યાપક અને લાંબો હોવાની આગાહી કરાઇ છે. બીજી તરફ યોર્કશાયરમાં યુકેનો પ્રથમ 2025 હોઝપાઈપ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારો માટે હીટ હેલ્થ એલર્ટ જારી કરવામાં આવ્યા છે અને શક્ય છે કે આગામી સાત દિવસનું મહત્તમ તાપમાન હીટવેવના માપદંડ કરતાં વધુ હોઈ શકે છે.
ઉચ્ચ દબાણ નિર્માણ થવાના કારણે પુષ્કળ સૂર્યપ્રકાશ જોવા મળશે, જેમાં સાઉથ અથવા સાઉથ – ઇસ્ટર્ન પવનો ખંડીય યુરોપથી ગરમ હવા લાવશે. ઇંગ્લેન્ડ અને વેલ્સના ઘણા ભાગો 30 ડીગ્રી સેલ્સીયસ અને ઇંગ્લેન્ડમાં વિકેન્ડમાં તાપમાન 33 ડીગ્રી સેલ્સીયલ (91 ફેરનહીટ) સુધી પહોંચવાની ધારણા છે પરંતુ ખૂબ જ ગરમ અથવા ગરમ હવામાન વેલ્સ, નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડને પણ અસર કરે તેવી શક્યતા છે.
નોર્ધર્ન સ્કોટલેન્ડના કેટલાક ભાગો શનિવાર સુધીમાં 29 ડીગ્રી સેલ્સીયસ (84F) અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 26 ડીગ્રી સેલ્સીયસ (79F) સુધી પહોંચવાની ધારણા છે. સ્કોટલેન્ડમાં અત્યાર સુધીનું વર્ષનું સૌથી ગરમ હવામાન જોવા મળી શકે છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી દ્વારા બુધવારથી 15 જુલાઈ સુધી ઇસ્ટ અને વેસ્ટ મિડલેન્ડ્સ, ઇસ્ટ ઇંગ્લેન્ડ, લંડન, સાઉથ ઇસ્ટ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં યલો હીટ હેલ્થ એલર્ટ જારી કરવામાં આવી છે. આ સમય દરમિયાન રાતે ખૂબ ભેજવાળું વાતાવરણ રહેશે જે સૂવા માટે અસ્વસ્થતા પેદા કરી શકે છે. ઉચ્ચ અથવા ખૂબ ઊંચા યુવી અને પોલન સ્તરની પણ આગાહી કરવામાં આવી છે.
કમ્પ્યુટર હવામાન મોડેલોના સંકેતો છે કે જુલાઈના બાકીના મહિના દરમિયાન વધુ ગરમ અથવા ગરમ હવામાનની શક્યતા છે.
યોર્કશાયર વોટરના જણાવ્યા અનુસાર, સમગ્ર યોર્કશાયરમાં જળાશયોનું સ્તર રેકોર્ડ નીચું જઇ રહ્યું હોવાથી શુક્રવારથી પાંચ મિલિયનથી વધુ લોકોને અસર કરતો હોઝપાઈપ પ્રતિબંધ અમલમાં આવશે. યોર્કશાયર યુકેનો પહેલો ભાગ છે જ્યાં બગીચાને પાણી આપવા, કાર ધોવા અથવા પેડલિંગ પૂલ ભરવા જેવી પ્રવૃત્તિઓ માટે હોઝપાઈપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધનો ભંગ કરનાર કોઈપણને £1,000 સુધીનો દંડ થઈ શકે છે. આ પ્રતિબંધ આ વર્ષે અને આગામી વર્ષે સમગ્ર પ્રદેશમાં લોકોની આવશ્યક જરૂરિયાતો માટે પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે છે.
રિપોન્ડેન નજીક આવેલું બેટીંગ્સ જળાશય લગભગ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે.
