પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સ્ટેમ્પ ડ્યુટી હોલીડેઝની સમયમર્યાદા પૂરી થાય તે પહેલા લોકોએ મોટા પ્રમાણમાં ઘરો ખરીદતા પ્રોપર્ટી માર્કેટમાં ફુગાવો થયો હતો અને છેલ્લા 17 વર્ષમાં ઘરોની કિંમતો તેમના સૌથી ઝડપી દરે વધી હતી અને તે વધારો 13.2 ટકા હતો.

યુકેના ઘરની સરેરાશ કિંમતોમાં £31,000નો વધારો થવા સાથે તે £266,000 થઈ છે.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા દર્શાવે છે કે સમગ્ર યુકેમાં ઘરની સરેરાશ કિંમતમાં £2,500નો પ્રતિ મહિને વધારો થયો છે. લેન્ડ રજિસ્ટ્રી ડેટાનો ઉપયોગ કરીને આંકવામાં આવેલો ઘરની કિંમતનો ફુગાવો જૂન 2020માં 2% હતો, પરંતુ પાછલા 12 મહિનાની સરખામણીએ તેમાં ધીમો વધારો થયો હતો. પેન્ટ-અપ ડીમાન્ડ, રોગચાળાના પરિણામે મોટા ઘરોની શોધ અને ચાન્સેલર ઋષિ સુનક દ્વારા £500,000થી ઓછી કિંમતની મિલકતો પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાના નિર્ણયને લીધે ભાવ વધારો થયો છે.

વેલ્સમાં ઘરના ભાવમાં સૌથી મોટો ઉછાળો થયો હતો અને પાછલા વર્ષમાં મિલકતનો ફુગાવો 16.7 ટકા નોંધાયો હતો. ઘરની કિંમતોમાં ઇંગ્લેન્ડમાં 13.3 ટકા, સ્કોટલેન્ડમાં 12 ટકા અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 9 ટકા વધારો થયો હતો. પાછલા વર્ષમાં નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં સૌથી વધારે 18.6 ટકા ભાવ વધ્યા હતા. વારંવારના કોરોનાવાયરસ લોકડાઉનથી સૌથી વધુ અસર લંડનમાં પડી હતી અને સૌથી ઓછો વાર્ષિક વધારો 6.3 ટકા નોંધાયો છે.

ઓએનએસના આંકડા મુજબ, ગત વર્ષ દરમિયાન ઘરના ભાવમાં થયેલો વધારો યુકેમાં પૂર્ણ-સમયના કર્મચારીની સરેરાશ સાપ્તાહિક કમાણી જેટલો જ છે. પેન્થિઓન મેક્રોઇકોનોમિક્સના યુકે વિશ્લેષક સેમ્યુઅલ ટોમ્બ્સે જણાવ્યું હતું કે “અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી મહિનાઓમાં ઘરની કિંમતમાં વૃદ્ધિ ધીમી પડશે.’’