કોવિડ-19 રોગચાળાને પગલે લાદવામાં આવેલ લૉકડાઉન હળવુ થયા પછી મકાનોના ભાવો વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા છે. નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીના કહેવા મુજબ ઓગસ્ટમાં સરેરાશ ભાવ £224,123 સુધી પહોંચ્યા હતા. પાછલા 12 મહિનામાં મકાનોના ભાવમાં 3.7% ટકાનો ઉછાળો આવ્યો છે. વધુ જગ્યાની માંગ, રીમોટ (ઘરેથી) વર્કિંગની જરૂરીયાતો અને સ્ટેમ્પ ડ્યુટીમાં આપવામાં આવેલી રાહતને પગલે આ ઉછાળો આવ્યો છે.

જો કે ‘ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટી’ દ્વારા આગામી વર્ષના અંત સુધીમાં મકાનોના ભાવોમાં 12% જેટલો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. ક્રિસમસ સુધીમાં બેરોજગારીની 3.5 મિલિયનને હિટ થવાની સત્તાવાર આગાહી સાથે અર્થતંત્ર હતાશામાં ગરકાવ થઈ રહ્યું છે.

નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાનો ભાવ વધારો છેલ્લા 16 વર્ષનો સૌથી મોટો ભાવ વધારો હતો. મિલકતની સરેરાશ કિંમતમાં અગાઉના મહિનાની સરખામણીએ 2% ભાવ વધીને સરેરાશ £224,123 થઈ ગયા હતા.

નેશનવાઇડના મુખ્ય અર્થશાસ્ત્રી રોબર્ટ ગાર્ડનરે જણાવ્યું હતું કે, “લોકડાઉન પ્રતિબંધોને સરળ બનાવવાના કારણે હાઉસિંગ માર્કેટની પ્રવૃત્તિમાં અણધારી રીતે ઝડપી રીકવરી થઈ છે.

એસ્ટેટ એજન્ટ બેરોઝ અને ફોરેસ્ટરના મેનેજિંગ ડિરેક્ટર જેમ્સ ફોરેસ્ટરે જણાવ્યું હતું કે ખરીદદારો માટે પહેલાં લોકેશન અને હવે અંદર અને બહાર વિશાળ જગ્યા સૌથી મહત્વનું પરિબળ બની રહ્યું છે. હોમ ઑફિસ એક ગરમ ચીજવસ્તુ બની ગઈ છે. વળી લોનના ઓછા વ્યાજના દર, ઓછી કિંમત અને સ્ટેમ્પ ડ્યુટી હોલીડેનો લાભ લેવા લોકો પોતાની બચતનો ઉપયોગ કરી રહ્યા છે.”

સેવીલ્સે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ ઓગસ્ટ માસમાં 91% વધારે મકાન વેચાયા હતા. તેના સર્વેક્ષણમાં લોકોએ જણાવ્યું છે કે બગીચો અથવા બહારની જગ્યા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. ઘણા કિસ્સાઓમાં બૉક્સ રૂમ જે અગાઉ મહેમાનનો બેડરૂમ હતો તે હવે લોકોની હોમ ઑફિસ બની ગઇ છે.

નોર્થ લંડન એસ્ટેટ એજન્ટ અને ભૂતપૂર્વ રોયલ ઇન્સ્ટિટ્યુશન ઑફ ચાર્ટર્ડ સર્વેયર્સના રેસિડેન્શીલ ચેરમેન જેરેમી લીફે જણાવ્યું હતું કે ‘’રાષ્ટ્રવ્યાપી આંકડા દર્શાવે છે કે વધુ ખરીદદારો અને વેચાણકર્તાઓ વધતી બેકારી અને ફર્લો યોજનાની અનિશ્ચિતતા અંગેની ચિંતાઓને દૂર કરી રહ્યા છે. શાળાઓ અને બીજા બિઝનેસો શરૂ થશે કે તુરંત જ રીકવરીની બીજી શરૂઆત થશે.’’

નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીના જણાવ્યા અનુસાર ગત મહિને મકાનના ભાવો વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા, અને 2004 પછીના સૌથી ઝડપી દરે વધી રહ્યા છે. લોકો ઉપનગરો તરફ આગળ વધી રહ્યા છે.