બ્રિટનના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર (Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના બ્રિટિશ સમકક્ષ ડોમિનિક રાબે અફઘાનિસ્તાનના વિકાસ અંગે મંતવ્યોની આપલે કરી છે અને સંયુક્ત સુરક્ષા જોખમોનો સામનો કરવા, શરણાર્થીઓને ટેકો આપવા અને અફઘાનની માનવતાવાદી દુર્દશાને હળવી કરવા સાથે મળીને કામ કરવા તેઓ સંમત થયા છે.

શ્રી જયશંકર સોમવારે તા. 16ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ટેકનોલોજી અને શાંતિની જાળવણી અને કાઉન્સિલના વર્તમાન પ્રમુખપદ હેઠળ આતંકવાદ વિરોધી બેઠકોની અધ્યક્ષતા કરવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. તેમણે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને અન્ય વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો અને ચર્ચાઓ કરી હતી.

શ્રી જયશંકરે બુધવાર તા 18ના રોજ શ્રી રાબ સાથેની મુલાકાત બાદ ટ્વિટ કરી જણાવ્યું હતું કે

“યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ સાથે આજે વાતચીત થઇ જેનું સ્વાગત છે. અમે અફઘાનિસ્તાનના વિકાસ અને તાત્કાલિક પડકારો અંગેના વિચારોની આપ-લે કરી હતી.

શ્રી રાબે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે “યુકે અને ભારત સહિયારા સુરક્ષા જોખમોનો સામનો કરવા, શરણાર્થીઓને ટેકો આપવા અને સામાન્ય અફઘાનની માનવતાવાદી દુર્દશાને હળવી કરવા માટે સાથે મળીને કામ કરશે.”

બુધવારે (18) પીસકીપીંગ પર યુએનએસસીની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કર્યા પછી, શ્રી જયશંકરે સુરક્ષા પરિષદમાં પત્રકારોને કહ્યું હતું કે ‘’ભારત અફઘાનિસ્તાનના બનાવોને ખૂબ કાળજીપૂર્વક જોઇ રહ્યા છીએ. મને લાગે છે કે અમારું ધ્યાન અફઘાનિસ્તાનમાં સુરક્ષા અને ત્યાં રહેલા ભારતીય નાગરિકો સલામત પરત આવે તે સુનિશ્ચિત કરવા પર છે. મેં યુએન સેક્રેટરી-જનરલ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને અન્ય સાથીદારો સાથે વાત કરી છે.’’

ભારતે કહ્યું છે કે ‘’અફઘાનિસ્તાન આવવા-જવાનો મુખ્ય પડકાર કાબુલ એરપોર્ટની ઓપરેશનલ સ્થિતિ છે. વિદેશ મંત્રાલયે 17 તારીખે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, “ભારત સરકાર તમામ ભારતીય નાગરિકોને સલામત પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે અને કાબુલ એરપોર્ટ કોમર્શીયલ કામગીરી માટે ખુલ્લું થયા બાદ ફ્લાઇટ વ્યવસ્થા ગોઠવશે.”

શ્રી જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન સાથે અફઘાનિસ્તાનના લેટેસ્ટ ડેવલપમેન્ટ વિશે પણ ચર્ચા કરી કાબુલમાં એરપોર્ટ ઓપરેશન પુન:સ્થાપિત કરવા તાકીદ કરી હતી.

તાલિબાન વિદ્રોહીઓએ રવિવારે અફઘાન રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ ભારતે મંગળવારે લશ્કરી પરિવહન વિમાનમાં રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન સહિત દૂતાવાસના કર્મચારીઓને ભારત લાવ્યા હતા.