ભારતમાં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ લગભગ ચાર વર્ષથી જેલમાં બંધ એવા સ્કોટલેન્ડના ડમ્બાર્ટનના સ્કોટિશ શીખ જગતાર સિંહ જોહલના પરિવારજનોને મળવા ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને વિનંતી કરી છે.

33 વર્ષીય જોહલ નવેમ્બર 2017માં લગ્ન કરવા પંજાબ ગયો હતો જ્યાં તેના પર RSSના ઘણા નેતાઓની હત્યાના ષડયંત્રનો આરોપ લગાવાયો હતો. જોહલ પર એક શીખને કથિત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોની હત્યા કરવાની યોજના માટે £3,000 આપવાનો આરોપ છે. જોકે, તે આરોપોને નકારે છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો અને કબૂલાત કરવા માટે ત્રાસ આપવામાં આવ્યો હોવાનો દાવો કરે છે.

સુશ્રી સ્ટર્જને શ્રી રાબને પત્ર લખીને કસ્ટડીમાં રખાયેલા જોહલ પર ત્રાસ ગુજારી દુર્વ્યવહાર કરાયો હોવાના આરોપો અંગે પોતાની ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. જોહલની ટ્રાયલ વગર અટકાયત અંગે પણ તેઓ ચિંતિત હતા. ફેબ્રુઆરીમાં, લગભગ 140 સંસદસભ્યોએ ફોરેન સેક્રેટરીને પત્ર લખીને જોહલની મુક્તિની માંગ કરી હતી.

જોહલને કાનૂની એનજીઓ રિપ્રાઇવ દ્વારા પણ ટેકો આપવામાં આવે છે. તેના ડેપ્યુટી ડિરેક્ટર હેરિએટ મેક્કુલોચે દાવો કર્યો હતો કે જોહલે અસંખ્ય વખત કોર્ટમાં હાજરી આપ્યા હોવા છતાં તેનો કેસ વારંવાર વિલંબિત થાય છે.

બીબીસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના અધિકારીઓએ આરોપોને નકારી કાઢ્યા છે કે “કથિત રૂપે દુર્વ્યવહાર અથવા ત્રાસ આપ્યાના કોઈ પુરાવા નથી”.

જોહલે ભારતમાં શીખો વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘન વિશે લખ્યું હોવાથી તેને પજવવામાં આવી રહ્યો હોવાનો દાવો તેના ભાઈ ગુરપ્રીતે કર્યો હતો અને તે જ શ્રીમતી સ્ટર્જનને મળ્યો હતો.