bivalent booster vaccine

ભારત અને બ્રિટન વચ્ચે ટ્રાવેલ માટે વેક્સિનનો વિવાદ વકરી ગયો છે. ભારતમાં આગામી સોમવારથી (4 ઓક્ટોબર) ભારત આવતા બ્રિટનના તમામ નાગરિકોએ વેક્સિન લીધી હશે તો પણ 10 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે, એમ સત્તાવાર સૂત્રોના ટાંકીને શુક્રવારે મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું.

બ્રિટને અગાઉ ભારત સહિતના કેટલાંક દેશોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેવા નાગરિકો માટે આવો વિવાદાસ્પદ નિયમ જાહેર કર્યો હતો અને ભારતે વળતાં પગલાંની ચેતવણી આપ્યાં છતાં આ મામલો ઉકેલાયો નહીં હોવાના પગલે આ નિર્ણય લેવાયો છે.

મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે ચાર ઓક્ટોબરથી ભારતમાં આવતા યુકેના તમામ નાગરિકોએ ટ્રાવેલના 72 કલાક પહેલા, ભારતમાં એરપોર્ટ પર આગમન સમયે અને આગમનના 8માં દિવસે એમ કુલ ત્રણ કોવિડ-19 RT-PCR ટેસ્ટ કરાવવા પડશે. નાગરિકો ફુલી વેક્સિનેટેડ હશે તો પણ આવા ટેસ્ટ કરાવવા પડશે. આ ઉપરાંત આવા નાગરિકોએ ભારતમાં આગમન પછી ઘેર અથવા પોતાના રોકાણના સ્થળે – ડેસ્ટિનેશન એડ્રેસ પર 10 દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઇન રહેવું પડશે.

અગાઉ બ્રિટને પણ ભારત સહિતના કેટલાંક દેશોના ફુલી વેક્સિનેટેડ નાગરિકો માટે બ્રિટનમાં આગમન સમયે ફરજિયાત ક્વોરેન્ટાઇનનો નિયમ જાહેર કર્યો હતો. આ નિયમો ચાર ઓક્ટોબરથી અમલી બને છે.

ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રીંગલાએ ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા અને વળતા પગલાંની ચેતવણી આપી હતી.