રશિયાએ યુક્રેન પર હુમલો કરતા હજ્જારો સ્થાનિક રહિશોએ ગત ગુરુવારે પડોશમાં આવેલા સેન્ટ્રલ યુરોપના દેશોમાં આવવાનું શરૂ કર્યું હતું. અને જે તે દેશોએ વધુને વધુ લોકોને આવકારવા માટે માટે તૈયારીના ભાગરૂપે રિસેપ્શન પોઈન્ટ શરૂ કર્યા છે અને તેમને મદદ માટે સરહદો પર સૈનિકો મોકલ્યા છે.
યુરોપિયન યુનિયનની પૂર્વીય બાજુના દેશો એક સમયે મોસ્કોના નેતૃત્વ હેઠળના વોર્સો કરારનો ભાગ હતા અને હવે તે ‘નાટો’ના સભ્યો છે. આ દેશોમાં પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને રોમાનિયાનો સમાવેશ થાય છે અને તેમની સરહદો યુક્રેન સાથે જોડાયેલી છે.
રશિયાએ જમીન, હવા અને દરિયાઈ માર્ગે યુક્રેન પર ચારે બાજુથી સૌથી મોટું આક્રમણ શરૂ કર્યું હતું, જે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં એક દેશ દ્વારા બીજા દેશ સામે સૌથી મોટો હુમલો છે. આ હુમલાને કારણે 44 મિલિયનની વસતી ધરાવતા યુક્રેનમાંથી ભાગી રહેલા શરણાર્થીઓમાં ભય ફેલાયો છે.
સધર્ન પોલેન્ડમાં મેડીકા ખાતેની સરહદ પર, ગુરુવારે સવારે અનેક લોકો યુક્રેનથી પગપાળા સામાન લઈને પહોંચ્યા હતા. ત્યાં દિવસ દરમિયાન પસાર થવાની રાહ જોતી કારની લાઇન લાંબી થતી ગઈ હતી.
સરહદ પાર કરીને આવી રહેલા લોકો માટે પોલેન્ડમાં કોવિડ-19 ટેસ્ટ સંબંધિત અને ક્વોરન્ટાઇનના નિયમો રદ્ કરવામાં આવ્યા હતા.
આ દેશ, સૌથી મોટા યુક્રેનિયન સમૂદાયના ઘર સમાન છે, જેની સંખ્યા લગભગ એક મિલિયન છે, અને કિવથી પહોંચવા માટે તે યુરોપિયન યુનિયનનો સૌથી સરળ દેશ છે.
જર્મનીએ યુક્રેનની સરહદે આવેલા દેશોને માનવતાવાદી મદદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જર્મન મીડિયાએ એવો અંદાજ ટાંક્યો હતો કે, બે લાખથી દસ લાખ લોકો યુક્રેનમાંથી યુરોપિયન યુનિયનના દેશોમાં આવી શકે છે.