
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 20થી 25 એપ્રિલ દરમિયાન અમેરિકાની પાંચ દિવસની મુલાકાતના ભાગરૂપે રવિવારે સાન ફ્રાન્સિસ્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રીકર રેડ્ડી કોપ્પુલાએ તેમનું સ્વાગત કર્યું હતું.
20 એપ્રિલથી સાન ફ્રાન્સિસ્કોમાં બે દિવસના રોકાણ દરમિયાન સીતારામન સાન ફ્રાન્સિસ્કોની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતેની હૂવર ઇન્સ્ટિટ્યૂશનમાં ‘વિકસિત ભારત 20247’ના વિષય પર ભાષણ આપશે. આ પછી તેઓ એક ફાયરસાઇડ ચેટ સેશનમાં ભાગ લેશે. તેઓ રોકાણકારો સાથેની રાઉન્ડટેબલ મીટિંગ દરમિયાન અગ્રણી ફંડ મેનેજમેન્ટ કંપનીઓના ટોચના સીઈઓ સાથે પણ વાતચીત કરશે. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટોચની ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) કંપનીઓના સીઈઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
તેઓ સાન ફ્રાન્સિસ્કોમાં ઇન્ડિયન ડાયસ્પોરાના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે અને ત્યાં સ્થાયી થયેલા ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કરશે.
22થી 25 એપ્રિલે વોશિંગ્ટન જશે. વોશિંગ્ટનમાં સીતારામન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) અને વર્લ્ડ બેન્કની સ્પ્રીન્ગ મીટીંગો તથા જી-20 ફાઇનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નર (FMCBG), ગ્લોબલ સોવરિન ડેટ રાઉન્ડટેબલ (GSDR) સહિતની બેઠકોમાં ભાગ લેશે.
આ ઉપરાંત આ ઉપરાંત તેઓ આર્જેન્ટિના, બહેરીન, જર્મની, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, સાઉદી અરેબિયા, યુનાઇટેડ કિંગડમ અને યુએસએ સહિત અનેક દેશોના નાણાપ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
નાણાપ્રધાન યુરોપિયન યુનિયન કમિશનર ફોર ફાઇનાન્શિયલ સર્વિસીસ, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના પ્રમુખ, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના પ્રમુખ, યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલના ફાઇનાન્શિયલ હેલ્થ માટે સ્પેશિયલ એડવોકેટ (UNSGSA) અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સાથે પણ મુલાકાત કરશે.
