ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં મુરાદનગરમાં ભારે વરસાદને કારણે સ્મશાનની છત તૂટી હતી અને 18 વ્યક્તિના મોત થયા હતા. (PTI Photo)

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગર શહેરમાં રવિવારે સ્મશાનની છત તુટી પડવાથી 18 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. અંતિમવિધિ ચાલતી હતી ત્યારે વરસાદને કારણે સ્મશાનની છત તૂટી પડી હતી.

આ દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકો કાટમાળમાં દટાયા હતા. ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર આશરે એક ડઝન લોકો કાટમાળમાં દટાયા હતા અને 38 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ગાઝીયાબાદના મુરાદનગર વિસ્તારમાં આવેલા ફળના એક વેપારીનું મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર માટે ઘરના સભ્યો અને પરિવારજનો આ સ્મશાનમાં પહોંચ્યા હતા. વરસાદ પડી રહ્યો હોવાના કારણે લોકો સ્મશાનગૃહના એક હિસ્સામાં ભેગા થયા હતા. તેની ઉપરની છત અચાનક જ પડી હતી અને સેંકડો લોકો જોત જોતામાં કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા.

ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ કાફલો અને એનડીઆરએફના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયના આદેશ આપ્યા હતા.